દિહોર- ભદ્રાવળ રોડ પર પીકઅપ બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આશાસ્પદ યુવાનનું મોત

1409

તળાજા તાલુકાના દિહોર, ભદ્રાવળ વિદ્યાર્થીના બાઈકને અડફેટે લેતા ગંભીર ઈજાથી ઘવાયેલ યુવાને ઘટના સ્થળે અંતિમ શ્વાસ લેતા ગામમાં ઘેરા શોકનું મોજુ ફરિવળ્યું છે.

સમગ્ર દુઃખદ ઘટના અંગે જાણવા મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતો યુવાન જનક લાભશંકર ભટ્ટ (ઉ.વ.ર૩) ભાવનગરમાં રહી વિવિધ સરકારી ભરતીઓમાં કોમ્પીટીટીવ એકઝામની તૈયારીઓ કરતો હોય આજે સવારના સમયે પોતાનું બાઈક લઈ ટીમાણા તેના ઘરેથી ભાવનગર આવવા રવાના થયો હતો. જેમાં ભદ્રાવળ નં.ર અને દિહોર ગામ વચ્ચે નવા બનેલા પુલ પાસે દિહોર તરફથી આવી રહેલ મહિન્દ્રા પીકઅપના ચાલકે તેનું વાહન પુર ઝડપે અને બેફીકરાઈ પુર્વક ચલાવી ભદ્રાવળ તરફથી આવી રહેલ જનકની બાઈકને અડફેટે લેતા યુવાન બાઈક સાથે હવામાં ફંગોળાઈ રોડ સાઈડ તરફ પટકાયો હતો. અને માથા તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે તેનું મોત નિપજયું હતું. આ અકસ્માતની જાણ પાસેના ખેતરમાં કામ કરતા ખેત મજુરો તથા અન્ય રાહદારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. પરંતુ અકસ્માત સર્જીને વાહન ચાલકો વાહન સાથે પોબારા ભણી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી નાસી છુટેલ પીકઅપ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ટીમાણા ગામમાં ઘેરા શોકનું મોજુ ફરિવળ્યું છે.

Previous articleમુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ર૭મીએ રો-પેકસ ફેરી સર્વિસનું લોકાપર્ણ થશે
Next articleજાગેલી સંવેદનાનું બીજ મૂરઝાય નહીં એવી કાળજી લેવી જોઈએ