ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઝઝૂમી રહેલા મહેન્દ્રસિંહ ધોનીને આગામી વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવા માટે પોતાનો ટેકો આપતા કહ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે મેચોની વર્તમાન શ્રેણી તે પીઢ વિકેટકીપર માટે ઘણી મહત્ત્વની છે.
ધોની આવતા વર્ષના વર્લ્ડ કપમાં રમવા પોતાની કારકિર્દીને આગળ વધારી રહ્યો છે, પણ તાજેતરમાં તેની બૅટિંગ આવડત ઓસરી જવા પામી છે તથા છેલ્લાં કેટલાંક વર્ષમાં તે મોટો વ્યક્તિગત સ્કોર કરી શક્યો નથી.
વેસ્ટ ઈન્ડિઝ સામે રવિવારે અહીં પહેલી મેચથી શરૂ થયેલી વન-ડે શ્રેણી સાથે ભારત વર્લ્ડ કપ પૂર્વે લગભગ ૧૮ મેચ રમનાર છે અને રાષ્ટ્રના ક્રિકેટ સત્તાવાળાઓએ દિલ્હીના આક્રમક બેટ્સમેન અને વિકેટકીપર રિષભ પંતને ટીમમાં સામેલ કરી હરીફાઈને વધારી છે.
“મારું માનવું છે કે ધોની વર્લ્ડ કપમાં સારો દેખાવ કરશે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્તમાન શ્રેણી તેના માટે ઘણી મહત્ત્વની બને છે, એમ ગાંગુલીએ આ સમાચાર સંસ્થાને અહીં જણાવ્યું હતું.
ધોનીનો ઈંગ્લેન્ડની ભૂમિ પરનો દેખાવ પણ બહુ પ્રભાવશાળી નથી જ્યાં તેણે ૨૦ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં રમી એકેય સદી નોંધાવી નથી તથા તે ૩૮.૦૬ રનની બૅટિંગ સરેરાશ ધરાવે છે કે જે તેની કારકિર્દીની ૫૦.૬૧ રનની સરેરાશથી ઘણી ઓછી છે. પણ, ગાંગુલીએ કહ્યું હતું કે ધોનીનો એકંદરે દેખાવ ઘણો સારો છે.