ગાંધીનગરમાં સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજીક સમરસ્તાને વિકાસનો પાયો ગણાવી હુંકાર કરતાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ-જનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો પર વિશેષ ધ્યાન આપી તેમને સામાજીક ન્યાય મળે, રક્ષણ મળે તે માટે તાલુકા કક્ષાથી રાજ્ય સ્તરીય સુધી સમગ્ર વ્યવસ્થાનું મોનિટરીંગ રાજ્ય સરકારની પ્રથમ ફરજ છે. રાજયમાં એસસી-એસટી પરના અત્યાચાર કે રંજાડગતિને કોઇપણ સંજોગોમાં સાંખી લેવાશે નહી. મુખ્યમંત્રીએ પોતાના વકતવ્યમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારના કિસ્સાઓમાં ભોગ બનેલા વ્યકિતઓને પાછલા બે વર્ષમાં રૂ. ૩૩ કરોડની સહાય રાજય સરકાર દ્વારા ચુકવાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજીક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરની તકેદારી અને મોનિટરીંગ સમિતિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ સાંસદ વિનોદભાઇ ચાવડા અને રામસિંહ રાઠવા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ પરના અત્યાચાર કનડગતને સરકાર કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાની નથી. આવા અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય-સુરક્ષા મળે તે સરકારની પ્રતિબધ્ધતા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. આવા અત્યાચારોના કિસ્સામાં કન્વીકશન અને દંડ એ બે પેરામીટર્સ હોય છે તેનો વધુ ચુસ્તતા અને સખ્તાઇથી અમલ કરીને અત્યાચારોના કિસ્સામાં કન્વીકશન રેટ-સજાનો દર વધે તથા દોષીતોને સખત સજા દંડ થાય તે માટે સંબંધિત વિભાગો યોગ્ય પ્રબંધન ગોઠવે. પછાત-દલિત-શોષિત વર્ગો પર અત્યાચારો અટકે, તેમને સમાનતા મળે તે માટે સરકાર જ નહીં સૌ સાથે મળીને સામાજીક જવાબદારી નિભાવી એક બની-નેક બની સમરસતાનું વાતાવરણ નિર્માણ કરે તે આવશ્યક છે.
બેઠકની ચર્ચાઓ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે આવી જાતિઓ પરના અત્યાચારના બનાવોમાં સુધારેલી સહાયના ધોરણો જાહેર કર્યા છે. તદ્દઅનુસાર, અનુસૂચિત જાતિઓ પરના અત્યાચારના કિસ્સાઓમાં પાછલા બે વર્ષમાં રૂ. ૩૩ કરોડની સહાય ભોગ બનેલા વ્યકિતઓને ચુકવવામાં આવી છે. અનુસૂચિત જનજાતિઓના કિસ્સામાં રૂ. ૮ કરોડ ૯૦ લાખ સહાય અપાઇ છે. રાજ્યમાં અત્યાચારના કેસોમાં કન્વીકશન રેટ ૩૭૮ ટકાનો પાછલા બે વર્ષમાં રહ્યો છે. રાજ્યમાં આવા અત્યાચારના કેસો માટે ૧૬ એક્સક્લુઝિવ સ્પેશ્યિલ કોર્ટની રચના કરવામાં આવી છે અને કેસોની સુનાવણી ઝડપી થાય, ગુનેગારને ઝડપથી સજા દંડ થાય અને પીડિતોને યોગ્ય ન્યાય મળે તે સરકારે સુનિશ્ચિત કર્યુ છે. મુખ્યમંત્રીએ સામાજીક સમરસતા-સૌહાર્દ શાંતિ જળવાઇ રહે તે માટે સોશિયલ મીડીયા પર પણ બાજ નજર રાખી આવી કોઇ ઘટનાઓ ધ્યાનમાં આવે કે તુરત જ ઓન ધ સ્પોટ પગલાં લેવા અને સ્થળ પર જઇ સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય તેવી વ્યવસ્થા માટે જિલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડાઓને સ્પષ્ટ સૂચનાઓ આપવા તાકીદ કરી હતી. સામાજીક ન્યાય અધિકારીતાના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે બેઠકના વિવિધ એજન્ડાઓ પર પ્રેઝન્ટેશન કર્યુ હતુ. મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, ગૃહ અને મહેસૂલના અધિક મુખ્ય સચિવો, આદિજાતિ, સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.