બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યો ટુંક સમયમાં જ પટણા અને દિલ્હીના સૌથી મોંઘા વિસ્તારમાં રહેલી તેમની સંપત્તિ ગુમાવી દે તેવી શક્યતા છે. બેનામી સોદાબાજી (અટકાયત) સુધારા બિલ અને કાયદા હેઠળ ઇન્કમ ટેક્સ વિભાગે ૧૭ પ્રોપર્ટીને તરત કબજે કરવાની જાહેરાત કરી દીધી છે. આ સંપત્તિની કુલ કિંમત આશરે ૧૨૮ કરોડ રૂપિયા છે. કબજે કરવામાં આવેલી સંપત્તિ લાલુ યાદવના નજીકના લોકોની છે. લાલુ યાદવના પરિવારના સભ્યોએ શેલ કંપનીઓ મારફતે યુપીએના શાસનકાળ દરમિયાન ખરીદી લેવામાં આવી હતી.
એ વખતે લાલુ યાદવ પોતે રેલવે પ્રધાન તરીકે હતા. મોડેથી આ તમામ સંપત્તિને લાલુ યાદવના પત્નિ રાબડી દેવી, તેમના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ, પુત્રી ચંદા, મીશા અને રાગિણી તેમજ જમાઇ શેલેષ કુમારના નામ પર ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ સંપત્તિને કબજે કરવામાં આવ્યા બાદ હવે ઇન્કમ ટેક્સ વિભાગ તેના પર કબજો જમાવ શકશે. જો કે વિભાગ ઇચ્છે તો તેની અંદર રહેલા લોકોને કેસની સુનાવણી પુર્ણ ન થાય ત્યાં સુધી ભાડા પર રહેવાની મંજુરી આપી શકે છે. આવકવેરા વિભાગના એક અધિકારીએ કહ્યુ છે કે આ સંપત્તિની કુલ કિંમત ૧૨૭.૭૫ કરોડ રૂપિયાન આસપાસ છે. જેમાં પટણામાં નિર્માણ હેઠળના મોલ, દિલ્હીમાં ભવ્ય આવાસ, દિલ્હી એરપોર્ટ નજીક અઢી એકરમાં ફેલાયેલા ફાર્મનો સમાવેશ થાય છે. લાલુ યાદવ છેલ્લા કેટલાક વર્ષોથી ભારે મુશ્કેલીમાં છે. હાલમાં તેઓજેલમાં છે. આ સંપત્તિઓને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવકવેરા વિભાગે કબજામાં લઇ લીધી હતી. બેનામી કાનૂન હેઠળ ચાર કેસ દાખલ કરવામાં આવી ચુક્યા છે. સુત્રોએ કહ્યું છે કે, લાલૂના નજીકના સાથીઓએ ચાર શેલ કંપનીઓ ઉભી કરી હતી. સાથે સાથે તેમના નામ ઉપર જ આ સંપત્તિ રાખવામાં આવી હતી. આ સંપત્તિને ખરીદવા માટે શેલ કંપનીઓ મારફતે નાણા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ખુબ ઓછી કિંમત પર તેમને લાલૂ પરિવારના નામ ઉપર ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. જો લાલૂ યાદવના પરિવારના સભ્યો બેનામી કાયદા હેઠળ દોષિત જાહેર થશે તો તેમને સાત વર્ષની જેલની સજા અને સંપત્તિની બજાર કિંમત પૈકી ૫૦ ટકા હિસ્સો દંડ પૈકી આપવો પડશે. દોષિત જાહેર થવાની સ્થિતિમાં છ વર્ષ સુધી કોઇ ચૂંટણી પણ લડી શકશે નહીં. દિલ્હીના દ ન્યુ ફ્રેન્ડ કોલોનીમાં સ્થિત લાલૂ પરિવારની પ્રોપર્ટીની કિંમત આશરે ૪૦ કરોડ રૂપિયા છે. આને એબી એક્સપર્ટના નામથી ખરીદવામાં આવી હતી. તેની ઘોષિત કિંમત ૫ કરોડ રૂપિયા હતી.