કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ ઉપરાંત વિવાદ ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મંદિરમામ પૂજા કરવાનો અધિકાર છે પરંતુ અપવિત્ર કરવાનો નહીં. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે માસિક આયુ વર્ગ (૧૦થી ૫૦ વર્ષ)ની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. પરંતુ હજી સુધી આ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળ્યો નથી. કેરળના સબરીમાલા મંદિરના પટ ગઈ કાલે સોમવારે પૂજા બાદ બંધ કરી દેવામાં આવ્યા છે. આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે મને પૂજા કરવાનો અધિકાર છે પરંતુ મંદિરને અપવિત્ર કરવાનો નહીં.
તેમણે જણાવ્યું કે હું તત્કાલીન કેન્દ્રીય મંત્રી છું તેથી સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી ન કરી શકું પરંતુ શું તમે માસિકના લોહીવાળા સેનેટરી નેપકિન લઇને પોતાના મિત્રના ઘરે જશો? તો તમે ભગવાનના ઘરે તેને લઇને કંઇ રીતે જઇ શકો? જો કે તેમણે જણાવ્યું કે આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે.
ઉલ્લેખનીય છે કે, મહિલાઓને મંદિરમાં પ્રવેશ ના આપવા માટે મહિલાઓને આવતા માસિકને સૌથી મોટું કારણ માનવામાં આવે છે. પરંતુ આ ઉપરાંત પણ કેટલીક બાબતો છે. માનવામાં આવે છે કે, ભગવાન અયપ્પાએ પોતે જ નક્કી કર્યું હતું કે તેમના દર્શન માટે કોણ આવી શકે અને કોણ નહીં? મંદિરમાં દર વર્ષે લાખો પુરૂષો પહાડ ચડીને, ઉઘાડા પગે પણ આવે છે. તેઓ ૪૧ દિવસનું વ્રત પણ કરે છે અને તે દરમિયાન તેઓ ધુમ્રપાન, દારૂ, નોન-વેજ, સેક્સ અને એ મહિલાઓથી દૂર રહે છે જેને માસિક સ્ત્રાવ ચાલુ હોય છે. ત્યાર બાદ જ તેઓ દર્શન કરવા આવે છે.