ભાવનગર જિલ્લા પંચાયત કારોબારી કમિટી બેઠક ચેરમેન ભરતભાઈ હડીયાના ચેરમેન પદે મળેલ. આ બેઠકમાં ધારાસભ્ય આર.સી. મકવાણા, સચિવ વરૂણકુમાર બરનવાલ વિગેરે હાજર રહ્યા હતા.
મળેલ આ બેઠકમાં જિલ્લા પંચાયત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહેલ. મળેલી આ બેઠકમાં ભાવનગર જિલ્લાના રપ ગામોના ગ્રામ પંચાતય ઘરો બનાવવા માટે રૂા.૩ કરોડ પ૮ લાખ ઉપરાંતની રકમ ફાળવી છે, આ માટે પંચાયત ઘરો બનાવવામાં આવશે. આ ઉપરાંત પથિકાશ્રમમાં સખી મંડળને કેન્ટીન ચલાવવા મંજુરી અપાયેલ.
જિલ્લા સામાજીક ન્યાય સમિતિ દ્વારા સુચવાયેલા વિકાસના કામોમાં રોડ રસ્તા પેવીંગ બ્લોકો નાખવા વિગેરે કામોને બહાલી આપવામાં આવી છે. જિલ્લા પંચાયતની તમામ કમિટી ચેરમેનોની કેબીનોમાં એ.સી. ફીટ કરવામાં આવશે, સાથે અધિકારીઓની ચેમ્બરોના પણ એ.સી. મુકી ચેમ્બરોને રિનોવેશન પણ કરવામાં આવશે.
છેવાડેના ગરિબ દર્દીઓની સારવાર દરમ્યાન ભાવનગર ખાતે રહેવાનું જરૂરી હોવાથી પથિકાશ્રમમાં ૩૦ બેડ આપવા, ભાવનગર મહાનગર પાલિકામાં સમાવેશ થયેલ હોય તેવા આરોગ્ય કેન્દ્ર મહાનગર પાલિકાને સોંપવા, આ ઉપરાંત જમીન મહેસુલ કાયદાની કલમ ૬પ(૧), ૬પ(ક), ૬૬ તથા ૬૭ હેઠળના કેસોમાં નિર્ણયો કરવામાં આવેલ. બેઠકમાં તમામ ઠરાવો ચર્ચા-વિચારણાના અંતે સર્વાનુમતે પાસ થયા હતા. બેઠકમાં ઉપ પ્રમુખ બી.કે. ગોહિલ હાજર રહેલ, બેઠક અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન પૂર્વક ચાલી હતી.