શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ અક્ષરપાર્ક વિસ્તારમાં અધુરા રખાયેલા વિકાસ કાર્યોને લઈને સ્થાનિક જનતા પારાવાર હાલાકીઓ વેઠી રહી છે.
એક તરફ સ્થાનિક પ્રશાસન તથા સત્તાધારી પક્ષ વિકાસ નામના ઉંધા ચશ્મા પ્રજાને પહેરાવી હથેળીમાં ચંદ્રદર્શન કરાવે તો બીજી તરફ અધુરા છોડેલા વિકાસ કાર્યોને લઈને પ્રજા કાગારોળ મચાવે ત્યારે લોકો એક જ સવાલ કરે વિકાસ છે ? કે વિકાસના નામે લોકોને હેરાન-પરેશાન કરવાની નવી થીયરી ?! તાજેતરમાં સ્થાનિક તથા રાજ્યકક્ષાના પ્રધાન અને ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોના ખાતમુર્હુત યોજી પ્રજાની વાહવાહી લૂંટી રહ્યાં છે તો બીજી તરફ શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ અક્ષરપાર્ક ખાતે ભાવનગર મહાપાલિકાના આયોજન વિભાગ દ્વારા અલગ અલગ કાર્યો હાથ ધરવામાં ડ્રેનેજના ગંદા પાણીના શુધ્ધીકરણ માટેના પ્લાન્ટ, ફિલ્ટર પ્લાન્ટ સહિતના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ જે કોન્ટ્રાક્ટરને નિર્માણ કાર્ય સોંપવામાં આવ્યું છે. તેણે અત્રે ૧ માસથી કામ બંધ કરી અન્ય સ્થળે શરૂ કામ પૂર્ણ કરવામાં ટીમને કામે લગાડી હોય આ વિસ્તારમાં ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થવાના કારણે ખોદેલી ગટરના ગંદા પાણી રહેણાંકી વિસ્તારના માર્ગો પર ફરી વળ્યા છે અને ચોમેર ગંદકીનું સામ્રાજ્ય ફરી વળ્યું છે. પરિણામે રોગચાળો ફેલાઈ રહ્યો છે અને સ્થાનિકોને અત્રે રહેવું દુષ્કર થઈ રહ્યું છે. લોકો દ્વારા નગરસેવકો તથા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આ અંગે કોઈ પગલાઓ લેવામાં નથી આવી રહ્યાં પરિણામે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઠેર-ઠેર ગંદા પાણીના ખાબોચીયા તથા ગંદકીને લઈને અહીં વાહન ચલાવવું તો દુર પગપાળા પસાર થવું પણ મુશ્કેલ છે. દિવાળી પર્વ નજીક આવી રહ્યું હોય એવા સમયે લોકોની હાડમારી તંત્ર તત્કાલ દુર કરે અન્યથા ઉગ્ર આંદોલનની ચિમકી જનતા દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે.
નિર્માણ કાર્ય પ્રગતિમાં છે, પ્રશ્ન સોલ્વ થઈ જશે
આ વિસ્તારમાં મિલ્ટ્રી સોસાયટી, દેસાઈનગર, ચિત્રા-ફુલસર તથા નારી વોર્ડના ગંદા પાણીને ફિલ્ટર કરવા માટેનો પ્લાન્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ-અલગ ત્રણ ઝોન વાઈઝ થતી કામગીરીને લઈને સ્થાનિકોને થોડી મુશ્કેલીઓ પડી રહી છે પરંણુ હાલ જે પ્રશ્ન છે તે બે થી ત્રણ દિવસની ભીંતરમાં જ ઉકેલાઈ જશે. ૧ હજાર એમ.એમ. ડાયામીટરની ભુગર્ભ લાઈન નાખવામાં આવી રહી છે. તંત્રના અધિકારીઓ તથા સીવીલ ઈજનેર સહિતનો સ્ટાફ હાલમાં નિર્માણ કાર્ય આગળ ધપાવી રહ્યાં છે.
– એમ.આર.કુકડીયા
નાયબ કાર્યપાલક ઈજનેર,
આયોજન વિભાગ, બીએમસી