બુધેલ ગામના સરપંચ અને કારડીયા રાજપુત સમાજના અગ્રણી એવા દાનસંગભાઈ મોરીને કેસોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ફસાવવા ઉપરાંત જમીનોમાં કરાયેલા દબાણ મામલે રાજપુત સમાજ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ઉગ્ર આંદોલન બાદ આજે અમદાવાદ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહની હાજરીમાં બન્નેનું સમાધાન થયું હતું.
દાનસંગભાઈ મોરીને ખોટા કેસોમાં ફસાવવા ઉપરાંત ગૌચરની જમીન કૌભાંડના જીતુભાઈ વાઘાણી સામે આક્ષેપો સાથે રાજપુત સમાજ દ્વારા આંદોલનનો પ્રારંભ કરવામાં આવેલ જે ભાવનગરને વટાવી રાજયભરમાં ફેલાયું હતું અને દાનસંગ મોરી સામે કરાયેલ કેસો પાછા ખેંચવા અને માફી માંગવા સહિતની માંગણી કરાઈ હતી. આ ઉપરાંત બુધેલ ગામમાં જીતુ વાઘાણીએ પ્રવેશવું નહીં તેવા બેનરો પણ લાગ્યા હતાં. આ બાબતે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
દરમ્યાન આજે અમીત શાહ, આનંદીબેન પટેલ, જશાભાઈ બારડ તથા કાનભા સહિત સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ભાજપે કેસો પાછા ખેંચવાની બાહેંધરી આપવા ઉપરાંત જીતુભાઈ વાઘાણીએ માફી માંગી હોવાનું દાનસંગભાઈ મોરીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. ગઈકાલે વજુભાઈ વાળા પણ અમદાવાદ આવ્યા હતાં. તેમની સાથે પણ બેઠક થઈ હોવાનું જણાવ્યું હતું.