શિક્ષણ વિભાગે ગુણોત્સવમાં હોંશિયાર બતાવેલા વિદ્યાર્થીઓ ‘ઢ’ નીકળ્યાં

883

ગુણોત્સવની ઉજવણી કરવાથી શાળાઓના પરિણામમાં સુધારો થતો હોવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થયા છે. ગુણોત્સવ-૮ના પરિણામમાં જિલ્લામાં ધોરણ-૩ થી ૫માં ૬થી૧૦ ગુણ મેળવેલા હોય પરંતુ હાલની સ્થિતએ વાંચન, લેખન ગણનમાં કાચા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા શોધવામાં આવ્યાં હતા. જે અંતર્ગત ગુણોત્સવના પરિણામમાં હોશિંયાર ઠરેલા ૮૩૧૮ વિદ્યાર્થીઓ મળી આવ્યાં  હતાં. ગુણોત્સવમાં ઉચ્ચ પરિણામ મેળવેલા વિદ્યાર્થીઓ અત્યારની સ્થિતિએ ડફોળ સાબિત થતાં શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.

ગુણોત્સવ-૮ના પરિણામાં જિલ્લામાં ડી ગ્રેડની શાળાઓમાં ઘટાડો નોંધાયો હતો. ગુણોત્સવના પરિણામમાં વાંચન, લેખન અને ગણનમાં નિપુણ ઠરેલા વિદ્યાર્થી અત્યારની સ્થિતિએ જિલ્લામાં ઠોઠ સાબિત થઇ રહ્યાં છે. સરકાર દ્વારા  સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુણોત્સવની ઉજવણીના માત્ર તાયફાઓ કરવામાં આવતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. મિશન વિદ્યામાં સફળતા મળતાં આગામી સમયમાં ધોરણ-૩ થી ૫માં મિશન વિદ્યાનું આયોજન કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત શિક્ષણ વિભાગની સુચનાના પગલે તાજેતરમાં  ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં ધોરણ-૩થી ૫માં વાંચન, લેખન અને ગણનમાં નબળા વિદ્યાર્થીઓ હોય તેમને શોધવાની કવાયત શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુણોત્સવ-૮ના પરિણામમાં ૦થી૫ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૬થી૧૦ ગુણ મેળવેલા પરંતુ હાલની સ્થિતિએ વાંચન, લેખન અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષકોએ શોધવાના હતા.

જે અંતર્ગત જિલ્લામાં ગુણોત્સવ-૮ના પરિણામમાં ૬થી૧૦ ગુણ મેળવી હોશિયાર ઠરેલા હોય તેવા વાંચનમાં ૧૪૩૧, લેખનમાં ૩૬૯૪ અને ગણનમાં ૩૧૯૩ વિદ્યાર્થીઆને હાલની સ્થિતએ શિક્ષકોએ અલગથી નબળા તારવ્યાં છે. જેના પરથી ગુણોત્સવના પરિણામને ઉંચુ લઇ જવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નબળા હોવા છતાં મુલ્યાંકનમાં વધુ ગુણ આપવામાં આવ્યાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. ગુણોત્સવ વાંચન, લેખન અને ગણનમાં નિપુણ પુરવાર કરેલા વિદ્યાર્થી તાજેતરમાં કંઇ રીતે નબળા સાબિત થયા તેને લઇને શિક્ષણ વિભાગ પર અને સવાલો ઉઠવા પામ્યાં છે.

Previous articleજિલ્લાના જાહેર શૌચાલયોના ૨૫થી વધુ કામદારોની દિવાળી બગડશે ?
Next articleધાનોટમાં  રૂ. ૮.૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલ ભૂગર્ભસંપ અને ૪૪ શૌચાલયોનું લોકાર્પણ