ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનોટ ગામે રૂ. ૮.૧૫ લાખના ખર્ચે ૫૦ હજાર લીટર ક્ષમતાના ભૂગર્ભ સંપ અને રૂ. ૨૨ હજારના ખર્ચે તૈયાર થયેલા ૪૪ શૌચાલયોની અર્પણ વિધી જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના હસ્તે કરવામાં આવી હતી.
વાસ્મો ગાંધીનગર અને રત્નમણી મેટલ એન્ડ ટયુબ્સ લિ. ના સહયોગથી ધાનોટના વિકાસ કામોનું લોકાર્પણ પ્રસંગે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ઠાકોર જ્ઞાતિની વધુ વસ્તી અને કુલ- ૧૩૦૦ ની જનસંખ્યાવાળા ધરાવતું ગામ વધુ સમૃધ્ધ બને તે માટે જાગૃતિ જરૂરી છે. બાળકોના શિક્ષણને વધુ મહત્વ આપી, ભાવિ પેઢીના ભવિષ્ય માટે શિક્ષણ દ્વારા જીવન ધડતરની અપીલ ગ્રામજનોને કરી હતી. સ્વચ્છતાઅને આરોગ્ય માટે શૌચાલયની જરૂરિયાત સમજાવી ધાનોટ ગામના વિલેજ ડેવલપમેન્ટ પ્લાનમાં અગ્રતા ધરાવતા વિકાસ કામોનું સારું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ગ્રામીણ વિસ્તારના બાળકોમાં શિક્ષણથી જ જીવનમાં પરિવર્તન આવે છે, ત્યારે ધાનોટ ગામ ૧૦૦ ટકા શૌચાલય વાળું બન્યું છે. તેની સાથોસાથ વ્યસન મુક્ત બને તેવી અપીલ પણ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, શૌચાલયનો ૧૦૦ ટકા ઉપયોગ થાય અને કોઇ પણ વ્યકિત ખુલ્લામાં શૌચક્રિયા કરે નહી તેવી અપીલ કરી સંપ દ્વારા પ્રાપ્ત થયેલ પાણીની સુવિધાનો ઉપયોગ પાણીનો બગાડ ન થાય તેવી રીતે કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે રત્ન મણી મેટલ એન્ડ ટયુબ્સ લિ.ના વાઇસ પ્રેસીડેન્ટ જયેશ સલુજા, વાસ્મોના યુનિટ મેનેજર એમ.કે. મહેશ્વરીએ પ્રાંસગિક પ્રવચનો કર્યા હતા. જિલ્લા કલેકટર એસ.કે.લાંગા તથા મહાનુ ભાવોના હસ્તે શૌચાલયના પ્રમાણપત્રો અને કિટૂસ વિતરણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહાનુભાવોએ ગામની મુલાકાત લઇ સારી સુવિધાના શૌચાલયોનું નિરીક્ષણ કરી લાભાર્થીઓના પ્રતિભાવો જાણ્યા હતા.