ઘરમાં દારૂનું સેવન કરવું તે કોઇ ગુનો ગણી શકાય નહીં : હાઇકોર્ટ

1977

જો કોઇ વ્યકિત પોતાની ચોઇસથી ઘરની ચાર દિવાલો વચ્ચે બેસીને દારૂ પીવે અને તેનાથી જાહેરજનતા કે સમાજને કોઇ નુકસાન અને દખલઅંદાજી થતી ના હોય તો પોલીસ કે તંત્ર દ્વારા તેની સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી શકાય નહી એ મતલબનો કાયદાકીય મુદ્દો ઉઠાવતી મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરાઇ છે. અરજદારપક્ષ તરફથી ભારપૂર્વક જણાવાયું હતું કે, ઘરમાં ખાનગીમાં દારૂનું સેવન કરવું તે કોઇ ગુના ના ગણી શકાય. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટે આ મામલે રાજય સરકારને જરૂરી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે અને કેસની વધુ સુનાવણી આવતા મંગળવારે મુકરર કરી છે.  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ થયેલી આ રિટ અરજીની સુનાવણી દરમ્યાન એ મતલબના સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા કે, જો કોઇ વ્યકિત પોતાના ઘરની ચાર દિવાલમાં બેસીને કોઈ દારૂ પીવે તો પોલીસ કે ઓથોરીટીને શું વાંધો હોઇ શકે? દારૂનું ખાનગીમાં વ્યકિતગત અને પસંદગીથી સેવન કે જેનાથી કોઇને નુકસાન કે હાનિ થતી ના હોય તો તેવા કિસ્સામાં પોલીસ કે તં૬ કોઇ ફોજદારી કાર્યવાહી કરી શકે નહી કે વ્યકિતને કનડગત કે રંજાડગતિ કરી શકે નહી. અરજદારપક્ષ તરફથી એડવોકેટ બંદીશ સોપારકરે મહત્વની દલીલ કરતાં જણાવ્યું હતું કે, જો કોઇ વ્યકિત પોતાના ઘરમાં ખાનગીમાં દારૂ પીતો હોય અને તેનાથી જાહેરજનતા કે સમાજને કોઇ હાનિ કે નુકસાન પહોંચતું ના હોય તો પછી પોલીસ કે ઓથોરીટી તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરી શકે નહી કે તેની વિરૂધ્ધ કોઇ ફોજદારી કાર્યવાહી હાથ ધરી શકે નહી.

પોતાના ઘરમાં ખાનગીમાં દારૂનું સેવન કરવુ એ વ્યકિતનો સ્વતંત્ર અને અંગત અધિકાર છે, આ પર્સનલ પ્રાઇવસીની વાત છે. ખુદ સુપ્રીમકોર્ટે રાઇટ ટુ પ્રાઇવસી અંગેના ચુકાદામાં વ્યકિતના પ્રાઇવસીના અધિકાર વિશે વિસ્તૃત છણાવટ કરેલી છે, જે પ્રસ્તુત બાબતમાં પણ લાગુ પાડી શકાય અને તેથી પોલીસ કે ઓથોરીટીને આ પ્રકારના કિસ્સામાં કોઇ ફોજદારી કે પ્રોહીબીશન એકટ હેઠળની કાર્યવાહી કરવાનો અધિકાર નથી. જો પોલીસ કે ઓથોરીટી તેમ છતાં મનસ્વી રીતે આવી કાર્યવાહી કરે તો તે રાઇટ ટુ પ્રાઇવસી અને સુપ્રીમકોર્ટના ચુકાદાના નિર્દેશોનો ભંગ ગણાય. આ સંજોગોમાં હાઇકોર્ટે અરજદારપક્ષની ઉપરોકત દાદને ગ્રાહ્ય રાખવી જોઇએ. અરજદારપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો હતો અને કેસની વધુ સુનાવણી આગામી મંગળવારે મુકરર કરી હતી.

Previous articleસ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને રાતોરાત રસ્તા પાકા કરાયા
Next articleતલાટીઓએ ૩ નવે. સુધી હડતાળ સમેટવાનો લીધો નિર્ણય