ગુજરાતમાં જનવિકલ્પ પાર્ટીની સરકાર રચાયા બાદ ઓ.બી.સી., એસ.સી.,એસ.ટી. ની અનામતને યથાવત રાખીને અન્ય સવર્ણ સમાજને ૨૫ ટકા અનામત આપવાની જાહેરાત પાર્ટીના પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ કરી છે.
એક આંતરરાષ્ટ્રીય કક્ષાની સમાચાર વેબસાઈટ અને નેટ ચેનલને આપેલી વિસ્તૃત મુલાકાતમાં રાજપાના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ પાટીદારોને કે બીજા-ત્રીજાને અનામતના મામલે છેતરી રહ્યા છે. ઓ.બી.સી. નાં ક્વોટામાંથી કોઈને પણ અનામત આપી શકાય તેમ છે જ નહિ. એસ.ટી. કે એસ.સી.ની અનામતને અડી શકાય તેમ નથી તેથી મારી સરકાર તમિલનાડુ પેટર્ન પ્રમાણે ગુજરાતના બ્રાહ્મણો, વાણીયા, પાટીદારો, રાજપૂત અને જેમને કોઈપણ અનામતનો લાભ મળતો નથી તે તમામ સવર્ણ સમાજને ૫૦ ટકાથી અલગ જઈને ૨૫ ટકા અનામતનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલશે. કેન્દ્ર સરકાર તેને પાર્લામેન્ટમાં મુકીને બંધારણમાં સુધારા માટે જરૂરી કેટલાક રાજ્યોની સહમતી મેળવ્યા પછી જ બંધારણમાં સુધારો કરીને અનામત મળી શકે. ભાજપ અને કોંગ્રેસ પાટીદાર સમાજની લાગણીઓ સાથે રમત રમી રહી છે જે ના હોવું જોઈએ. અનામતને મતની સાથે જોડવું નાં જોઈએ. પણ ગુજરાતમાં જે સવર્ણ સમાજ વસે છે તેમાં બધા લાખોપતી કે કરોડપતિ નથી. સવર્ણ સમાજમાં પણ ગરીબો છે. તેમના સંતાનોને પણ અનામત મળે તો તેઓ આગળ વધી શકે. અનામત એક સવેદનશીલ બાબત છે. તેને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. ભાજપ અને કોંગ્રેસ “અમે અનામત આપીશું.” એમ કહીને પાટીદારો અને અન્ય સમાજને બેવકૂફ બનાવે છે. કોંગ્રેસના પ્રખર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ કેમ લોચા મારે છે? કેમ તેઓ ખુલીને બોલી શકતા નથી? કેમ કે અનામત કાઈ રસ્તામાં પડી
નથી. જનવિકલ્પ પાર્ટી પારદર્શકતામાં માને છે. અમારી વાત ખુલ્લી છે. અમે પ્રજાને – પાટીદારોને ભ્રમમાં રાખવા માગતા નથી. એસ.ટી.-એસ.સી. અને ઓ.બી.સી. માં વધારો કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો અનિવાર્ય છે અને તેમાં સુપ્રીમ કોર્ટ ક્યાય આડે આવતી નથી કેમ કે બંધારણમાં સુધારો થશે તો સુપ્રીમકોર્ટ તેમાં બિટવીન ધી લાઈન વાંચશે. તેમાં અંતરાય રૂપ નહિ બને. અમારી સરકાર સવર્ણ સમાજને ૨૫ ટકા અનામતની સાથે ઓ.બી.સી. માં જે અતિ પછાત વર્ગો છે જેમ કે કોળી, ઠાકોર, બજાણીયા, મદારી વગેરે. તેમના માટે ઓ.બી.સી. ના ૨૭ ટકા માંથી અલગથી ૧૦ ટકા અનામત આપવામાં આવશે. આ અતિ પછાત વર્ગની જ્ઞાતિઓ ઓ.બી.સી. માં છે અને ઓ.બી.સી. ના કોટામાંથી જ તેમને અલગથી ૧૦ ટકા અનામત અપાશે જેથી આ અતિ પછાત વર્ગની જ્ઞાતિઓ અલગથી ૧૦ ટકાના અનામતનો લાભ મેળવીને સામાજિક અને આર્થિક રીતે આગળ આવીને સમાજની મુખ્ય ધારામાં ભળી શકશે. શંકરસિંહ વાઘેલાની આ અડધા કલાકની મુલાકાત વેબસાઇટ દ્વારા ફેસબુકમાં લાઈવ પણ કરાઈ હતી.