પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સરકારે કોલેજ અને યુનિવર્સિટીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના પ્રસંગે ૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના યુજીસીના નિર્દેશનું પાલન કરવાનો ઈન્કાર કર્યો છે. પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર સરદાર વલ્લભાઈ પટેલની જયંતીના પ્રસંગને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે સર્કુલરનો સંદર્ભે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારની સાથે કોઈપણ પ્રસ્તાવ પર ચર્ચા કરી નથી.
પાર્થ ચેટર્જીએ કહ્યુ છે કે યુજીસી પોતાના નિર્ણયને લાગુ કરવાની કોશિશ કરી રહ્યું છે. તેને પશ્ચિમ બંગાળની સરકાર ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે કહ્યુ છે કે પહેલા પણ આમ કરવામાં આવ્યું હતું અને હાલ પણ તેઓ આમ કરી રહ્યા છે. રાજ્ય સરકારને અંધારામાં રાખીને આવા પ્રકારના નિર્ણય લેવાઈ રહ્યા છે. આ એકતરફી નિર્ણય છે અને તેને સ્વીકારી શકાય નહીં.
ચેટર્જીના આરોપનો ઉલ્લેખ કરીને પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે ટીએમસી સરકારના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે ક્હ્યુ છે કે સરદાર વલ્લભભાઈ પટેલના સ્વતંત્રતા સંઘર્ષને લોકોની વચ્ચે લઈ જવો ખાસ કરીને સ્ટૂડન્ટ્સની વચ્ચે લઈ જવો એ તેમનું કર્તવ્ય છે. યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશની રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ટીએમસી કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક નિર્ણયમાં રાજનીતિ જોઈ રહી છે.