દિવાળીએ બોનસમાં કારના રૂપે બોનસ આપીને સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. સુરતના ડાયમંડ કિંગ અને હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયાએ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસમાં ૬૦૦ કાર આપી છે. આજે બોનસ આપવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. તેમણે કર્મચારીઓને આવી ગિફ્ટ આપવા બદલ સવજીભાઈનું અભિવાદન કર્યું હતું.
સવજીભાઈ ધોળકિયાએ આજે પોતાના કર્મચારીઓને ૬૦૦ કાર બોનસરૂપે ભેટમાં આપી છે. તો બીજી તરફ, તેમણે કેટલાક કર્મચારીઓને મકાન પણ આપ્યા છે. આજે દિવ્યાંગ કર્મચારીઓને કારની ચાવી સોંપાઈ હતી. ત્યારે આ પ્રસંગે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરીને કર્મચારીઓમાં નવો જુસ્સો ભર્યો હતો. તેમણે સવજીભાઈને અભિનંદન આપતા કહ્યું હતું કે, કર્મચારીઓનો ઉત્સાહ આવી રીતે જ વધારવામાં આવે તો કર્મચારીઓ બમણી તાકાતથી કામ કરી શકે છે. તેમણે કહ્યું કે, ન્યૂ ઈન્ડિયાના વિકાસ માટે સવજીભાઈનું મહત્વનું યોગદાન રહ્યું છે.
બધાને દિવળી, ધનતેરસની શુભકામનાઓ. હું ૩૧ ઓક્ટોબરે ગુજરાત આવી જ રહ્યો છું.