વડાલીમાં જુથ અથડામણ : પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ, તંગદિલી

1661

સાબરકાંઠા જિલ્લાન વડાલી ટાઉનમાં ગઇકાલે રાત્રે બે કોમના ટોળા વચ્ચેની અથડામણ દરમિયાન સામસામે પથ્થરમારો અને દુકાનોમાં તોડફોડ શરૃ થતાં ભારે તંગદિલી છવાઈ ગઈ હતી. દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દોડી આવેલી સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ ઉપર પણ પથ્થરમારો ચલાવવામાં આવ્યો હતો.

જો કે પોલીસે સખ્તાઇપૂર્વક કામગીરી શરૃ કરીને હંગામો મચાવી રહેલા ૧૫ જેટલા શખ્સોને ઝડપી લઇને ટોળાને વીખેરી નાંખ્યા હતા. આ ઘટના બાદ વડાલી ટાઉનમાં આજે દિવસ દરમિયાન પણ અજંપાભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી હતી. જિલ્લા પોલીસ તંત્ર તરફથી પણ ફરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર અથડામણના આ બનાવ અંગે જુદા જુદા રાયોટીગના ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એક ગૂનામાં વિપુલ સુરેશભાઈ સગરની ફરિયાદના આધારે ફરદીન ઉર્ફે ગેડો સહિત સાત આરોપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જ્યારે સામાપક્ષે ઇકબાલભાઈ ગફુરભાઈ મનસુરીની ફરિયાદના આધારે વિપુલ સુરેશ સગર સહિત છ શખ્સોના વિરૃધ્ધમાં પણ રાયોટીંગનો ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પોલીસ પાર્ટી ઉપર પથ્થરમારો ચલાવવા બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈની ફરિયાદના આધારે બન્ને પક્ષનાટોળા વિરૃધ્ધમાં પણ રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર વડાલી ટાઉનના બન્ને કોમના રહીશો વચ્ચેની અથડામણનું કારણ એક પરિણીતા બની હોવાની ફરિયાદમાં રજુઆત કરવામાં આવી છે, જેમાં આજથી ત્રણેક મહિના પહેલા ફરિયાદી વિપુલની પત્નીનો કોઈ શખ્સે ફોન ઉપર સંપર્ક સાધીને અઘટીત માંગણી કરી હતી. આથી આવો ફોન કરીને પરિણીતાને પરેશાન કરનાર ફરદીન ઉર્ફે ગેડો હોવાની શંકા જતાં બન્ને પક્ષ વચ્ચે કડવાશ તથા તંગદિલી ઉભી થઈ હતી.

Previous articleબોલો..જ્યારે પણ સાઈ હોપ સદી મારે છે ત્યારે મેચ ટાઈ પડે છે..!!!
Next articleસરદાર પટેલના પૌત્ર જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણમાં હાજર નહી રહે