સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણ સમારોહની ચાલી રહેલી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.લગભગ ૧૧૦૦૦ આમંત્રિતોની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ પીએમ મોદીના હસ્તે ૩૧ ઓક્ટોબરે લોકાપર્ણ થશે પણ આ સમારોહમાં સરદાર પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલ અને તેમના પત્ની નંદિની પટેલ હાજર નહી રહે.૭૮ વર્ષીય ગૌતમભાઈ અને તેમના પત્ની આમ તો વડોદરામાં રહે છે પણ તેમનો પુત્ર કેદાર અમેરિકામાં સ્થાયી થયો હોવાથી તેઓ વડોદરા અને અમેરિકા વચ્ચે આવન જાવન કરતા રહે છે.હાલમાં પણ તેઓ અમેરિકા છે.મળતી વિગતો પ્રમાણે છેલ્લા ૧૫ દિવસથી ચીફ મિનિસ્ટર ઓફિસ દ્વારા આ સમારોહમાં ગૌતમભાઈ અને તેમના પત્ની હાજર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી.વલ્લભ વિદ્યાનગરમાં રહેતા સરદાર પટેલના ભત્રીજા મનુભાઈ પટેલના પુત્ર ભુપેન્દ્ર પટેલનુ કહેવુ છે કે તેમનો કોન્ટેક્ટ કરવાના અમારા પરિવારના તમામ પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે.
ગૌતમભાઈ આ કાર્યક્રમમાં હાજર રહે તેવુ લાગતુ નથી. એમ પણ જાહેર સમારોહથી તેઓ દુર રહેવાનુ જ પસંદ કરે છે. જોકે સરદાર પટેલ પરિવારના બીજા ૩૦ સભ્યો લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહેશે.સરદાર પટેલ પરિવારના તમામ સભ્યોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા છે જેથી તેઓ પીએમ સહિતના વીવીઆઈપીઓની સાથે બેસી શકે.