જનવિકલ્પ પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ઉનામાં ૩ થી ૪ દલિતોને મૃત ગાયની ચામડી ઉતારવાના આરોપસર ઢોર માર મારવો, તેમની ચામડી ઉધેડી નાખવાનો પ્રયાસ અને ઢોરની જેમ ગાડીની પાછળ બાંધીને ગામમાં ફેરવવાની અમાનવીય, અમાનુષી, અત્યાચારી અને ઐતિહાસિક ઘટના જેઓ પોતે દલિતોના હામી હોવાનો દાવો કરે છે તેવા દલિત કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનને નાની-મોટી ઘટના લાગે છે અને બિહારમાં તો રોજ આવી ઘટના બને છે તેવો વાણીવિલાસ અને બફાટ કરનાર જાડી ચામડીના મંત્રી ભાજપને મુબારક હો. ભાજપે આવા બેજવાબદાર, બિન સવેદનશીલને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા, પાસવાનના પક્ષની સાથે ગઠબંધન કર્યું છે ત્યારે જેઓ ગુજરાતનું ગૌરવ, ગુજરાતની અસ્મિતા જાણતા નથી તેવા પાસવાન ઉનાની ઘટના ને લઈને ગુજરાતની સરખામણી બિહાર સાથે કરે છે ત્યારે ભાજપે ગાજવાને બદલે લાજવું જોઈએ અને દલિતોને ન્યાય આપ્યાના બણઘા ફૂંકવાનું બંધ કરવું જોઈએ કેમ કે આ એ જ પાસવાન છે કે જેઓ બિહારને જંગલરાજ કહેતા હતા અને હજુ આજે પણ એમજ કહે છે કે ઉનામાં દલિતોને જે રીતે માર્યા છે એવી ઘટના તો બિહારમાં રોજેરોજ થાય છે! કેન્દ્રના દલીતમંત્રીને દલિતો પર અમાનુષી અત્યાચારની ઘટના નાની લાગે છે ત્યારે ભાજપે મૌન તોડીને પાસવાનને પૂછવું જોઈએ કે તેઓ તો પછી મોટી ઘટના કોને માને છે? શું દલીતોને ગોળીઓ મારી દેવી એ ઘટના પાસવાન માટે મોટી ઘટના હશે? ધિક્કાર છે આ દલિત નેતાને. ભાજપના નેતાઓ ગુજરાતમાં આવા જાડી ચામડીના નેતાને લઈને દલિતોના વોટ લેવા નીકળ્યા છે ત્યારે જ્યાં જંગલરાજ છે, જ્યાં માફિયારાજ છે, જ્યાં ઉના જેવી હિસક ઘટનાઓ રોજેરોજ થાય છે તેવા બિહારની સાથે ગુજરાતની સરખામણી કરીને પાસવાને ગુજરાતનું ઘોર અપમાન કર્યું છે ત્યારે “હું છું વિકાસ-હું છું ગુજરાત” નાં ગાણા ગાનાર ભાજપ ગુજરાતનું અપમાન કરનારની સામે મૌન કેમ છે? પાસવાને આવો વાણીવિલાસ કરીને બિહારના દલિતોનું તો અપમાન કર્યું છે સાથે ગુજરાત અને દેશના દલિતોનું પણ અપમાન કર્યું છે. બિહારમાં ભાજપે જે નીતિશકુમારે નરેન્દ્રભાઈ મોદી માટે “નો એન્ટ્રી” નું બોર્ડ માર્યું છે તેવા નીતિશકુમારની સાથે સત્તા માટે ગઠબંધન નહિ પણ ઠગબંધન કર્યું છે ત્યારે પાસવાન ગુજારતની તુલના બિહારની સાથે કરે છે અને પત્રકાર પરિષદમાં તેમની સાથે બેઠેલા ભાજપના નેતાઓ તેમને રોકતા નથી એ જ બતાવે છે કે ગુજરાતના ભાજપના નેતાઓને પણ પાસવાનની જેમ જ એમ લાગે છે કે દલિતો પર ઉના જેવો અમાનુષી અત્યાચાર નાની-મોટી ઘટના છે. ગુજરાતના દલિતો પાસવાન અને પાસવાનની મિત્ર પાર્ટી ભાજપને ક્યારેય માફ નહિ કરે અને ચૂંટણીમાં મતદાન કરતી વખતે પોતાનું અને ગુજરાતનું અપમાન કરનાર પાસવાનનો ચહેરો યાદ કરીને ભાજપને મત નહિ આપે. ગુજરાત ભાજપના નેતાઓને પણ શરમ આવવી જોઈએ કેમ કે ગુજરાત ગુજરાત છે અને બિહાર બિહાર છે. ગુજરાતમાં કોઈ શેરીના કુતરાને નાનું બાળક પથ્થર મારે તો પણ તેને ટોકે છે-રોકે છે એવા ગુજરાતમાં દલિત યુવાનોને અર્ધનગ્ન કરીને એટલી હદે મારવા કે તેમના શરીરની ચામડી ઉતરી જાય તેવી ઘટના ભાજપને પણ સાવ નાની લાગે છે. ત્યારે ગુજરાતના મતદારો તેનો જવાબ આપશે.