અંશુ પ્રકાશ કેસ : કેજરીવાલ સહિતના આરોપીઓને બેલ

949

 

ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે કથિતરીતે મારામારી કરવાના મામલામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલને મોટી રાહત થઇ ગઇ છે. તેમને આ કેસમાં જામીન મળી ગયા છે. કેજરીવાલની સાથે સાથે કોર્ટે મામલામાં આરોપી નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને એએપીના ૧૧ ધારાસભ્યોને પણ જામીન આપી દીધા છે. ગુરૂવારના દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આરોપી તરીકે કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે હવે દસ્તાવેજોની ચકાસણી માટે આગામી તારીખ સામી ડિસેમ્બર નક્કી કરી છે.

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન બંને સવારમાં આશરે ૧૦ વાગે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેડિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ હાજર રહ્યા હતા. કોર્ટે દસ્તાવેજોની ચકાસણી માટે સાતમી ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. કોર્ટે ૧૮મી સપ્ટેમ્બરના દિવસે પોલીસ ચાર્જશીટમાં મુકવામાં આવેલા આરોપોની નોંધ લઇને તમામને સમન્સ જારી કર્યા હતા. ચાર્જશીટ મુજબ ચીફ સેક્રેટરી પર ૧૯મી ફેબ્રુઆરીના દિવસે રાત્રે મુખ્યપ્રધાનના આવાસ પર એ વખતે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે મુખ્યપ્રધાન કેજરીવાલ દ્વારા બોલાવવામાં આવ્યા બાદ અંશુ તેમના આવાસ પર પહોંચ્યા હતા. ૧૩૦૦ પાનાન ચાર્જશીટ આ કેસમાં દાખલ કરવામાં આવી હતી.દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ ભાજપ અને કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી. મુખ્ય સચિવ અંશુ પ્રકાશે કહ્યું હતુ કે, મારામારી વચ્ચે તેમને ભાગી જવાની ફરજ પડી હતી. એએપીના ધારાસભ્ય પર મુખ્યમંત્રીના આવાસમાં કેજરીવાલની ઉપસ્થિતિમાં પોતાની સાથે મારામારી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.કેજરીવાલને  મારામારીના કેસમાં હાલ પુરતી રાહત થઇ છે. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવ્યા છે પરંતુ કેજરીવાલ અને સિસોદિયા પર કેટલાક નિયંત્રણ લાગૂ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પાટનગરથી બહાર જતા પહેલા કોર્ટની પરવાનગી લેવા માટે બંનેને કહેવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના ચીફ સેક્રેટરી સાથે મારામારીનો બનાવ બન્યો હતો. ૧૯મી ફેબ્રુઆરીની રાત્રે બનાવ બન્યા બાદ સવારમાં કેસ દાખલ કરાયો હતો. અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલની આગલા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જોકે મોડેથી જામીન મળી ગયા હતા. આ બનાવથી આઈએએસ ઓફિસર એસોસિએશન અને દિલ્હી સરકાર આમને સામને આવી ગઈ હતી. રાજ્યની પ્રગતિ આના લીધે અટવાઈ પડી હતી.

Previous articleવિશાખાપટ્ટનમ એરપોર્ટ પર જગનમોહન પર હુમલો થયો
Next articleપીએનબી કાંડમાં નિરવની ૨૫૫ કરોડની સંપત્તિ જપ્ત