વર્માના આવાસ પર IB અફસરો પેટ્રોલિંગ ઉપર

728

રજા ઉપર મોકલવામાં આવેલા સીબીઆઈ વડા આલોક વર્માના આવાસની પાસે આજે સવારે જાસુસીના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવેલા ચાર લોકોને લઇને રાજકીય ગરમી વધી ગઈ છે. આ અહેવાલ આવ્યા બાદ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. જ્યારે બીજી બાજુ કેન્દ્ર સરકારે માહિતી આપતા કહ્યું છે કે, આ લોકો ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારી હતા. રૂટિન પેટ્રોલિંગ ઉપર આ અધિકારીઓ હતા. બીજી બાજુ કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ ચાર લોકોને પુછપરછ બાદ છોડી મુકવામાં આવ્યા છે. સરકારે નિવેદન જારી કરીને કહ્યું છે કે, વર્માના ખાનગી સુરક્ષા અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવેલા અધિકારી તેમના જ હતા અને રૂટિન પેટ્રોલિંગ ઉપર હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઈબીની પાસે આંતરિક સુરક્ષા માટે ગુપ્ત માહિતી એકત્રિત કરવાની જવાબદારી હોય છે. આ ઉપરાંત એવા યુનિટને સંવેદનશીલ વિસ્તારોમાં રેગ્યુલેટરરીતે તૈનાત કરવામાં આવે છે.

આ વખતે પણ સ્થાનિક વહીવટીતંત્રની મદદથી આ પ્રકારની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. આનાથી સ્થાનિક ગુપ્તચર સંસ્થાઓ કોઇપણ ઇમરજન્સી સ્થિતિને હાથ ધરવા માટે તૈયાર થાય છે. આ એક ગુપ્ત ઓપરેશન હતું. જેને આ રીતે હાથ ધરવામાં આવ્યું હતું. આજે સવારે જનપથમાં પણ એક યુનિટની તૈનાતી કરવામાં આવી હતી. રજા ઉપર મોકલી દેવામાં આવેલા સીબીઆઈના વડા આલોક વર્માના ખાનગી સુરક્ષા ગાર્ડ દ્વારા આ શકમંદોને પકડી પાડ્યા હતા. તેમની કસ્ટડીના અહેવાલ આવ્યા બાદ રાજકીય આક્ષેપબાજીનો દોર શરૂ થયો હતો. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, વર્માની જાસૂસી કરવામાં આવી રહી હતી. બીજી બાજુ નવીદિલ્હીમાં ડીસીપી મધુર વર્માએ સાફ શભ્દોમાં કહ્યું છે કે, પોલીસે ચાર લોકોને  કસ્ટડીમાં લીધા છે. મંગળવારના દિવસે મોડી રાત્રે ઘટનાક્રમનો દોર જારી રહ્યો હતો જેના ભાગરુપે આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા ઉપર મોકલી દેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સીબીઆઈ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. નાગેશ્વર રાવને વચગાળાના વડા તરીકે બનાવવામાં આવ્યા હતા. સીબીઆઈમાં હાલમાં જે પ્રકારની ખેંચતાણ ચાલી રહી છે તેને લઇને આક્ષેપબાજીનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, પોતાના લોકોને બચાવવા માટે તમામની બદલી કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ગઇકાલે રાજસ્થાનમાં પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, સીબીઆઈમાં ખેંચતાણ વચ્ચે સરકાર રાફેલ સોદાબાજીના પ્રશ્નો ઉઠાવનારને બદલી નાંખ્યા છે.

Previous articleતમિળનાડુ-આંધ્રમાં ૧૦૦થી વધુ સ્થળો ઉપર દરોડા પડ્યા
Next articleચિદમ્બરમની પરેશાનીમાં વધુ વધારો : ચાર્જશીટ દાખલ થઇ