તા. ૨૭ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘોઘા ખાતેનાં રો-પેકસ ફેરી સર્વિસ લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસે કલેકટર કચેરી ખાતે તેમની ચેમ્બરમાં એક સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે આવતી કાલે તા. ૨૬ ના રોજ સવારે આ કાર્યક્રમ અંતર્ગત ફરજો બજાવતા અધિકારીઓએ ઘોઘા ખાતે સ્થળ પર હાજર રહી કાર્યક્રમને આખરી ઓપ આપવાનો રહેશે.
આ બેઠકમાં થયેલ સમિક્ષા બાબતે તેમણે જણાવ્યું હતું કે વી. આઈ. પી. સહિતના લોકોને નિમંત્રણ કાર્ડ સમયસર પહોંચતા કરવાના રહેશે, ફૂડ પેકેટની, એસ. ટી. ની બસોની, મુખ્યમંત્રીને મોમેન્ટો અર્પણ કરવાની, એકોમોડેશનની, પાણીની, લાઈટ, માઈક, એનાઉન્સરની, વાહન પાર્કિંગની, કાયદો અને વ્યવસ્થા જાળવણીની વ્યવસ્થા માટે ખુબજ સજાગ રહી ને કામગીરી કરવાની રહેશે. મીડિયાના પ્રતિનિધિઓને વધુમાં વધુ સંખ્યામાં કાર્યક્રમ સ્થળે લઈ જવા તેમજ લાવવાના રહેશે.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી વાઘમશી, પ્રાંત અધિકારી મીંયાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાઠવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પંડ્યા, કાર્યપાલક ઈજનેર(સ્ટેટ) એચ. કે. દોશી, પંચાયતના કાર્યપાલક ઈજનેર બી. એલ. મડિયા, નાયબ મ્યુ. કમિ. એન. ડી. ગોવાણી, જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી,નાયબ મામલતદાર કીંજલબેન દોશી હાજર રહ્યા હતા.