ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના બીજા ચરણના લોકાર્પણ પૂર્વે દહેજ પોર્ટ પર એક આકસ્મિક ઘટના સર્જતા એક વ્યક્તિનું ડુબી જતા મોત નિપજ્યું હતું.
આગામી તા.ર૭ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું બીજા તબક્કાનું લોકાર્પણ યોજાનાર છે ત્યારે આ લોકાર્પણ પૂર્વે દહેજ રો-રો ટર્મિનસ પાસે સમુદ્રમાં ફેરી સર્વિસની શીપ રોયલ સિમ્ફનીને ત્રણ ટગની મદદ વડે ખેંચવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમ્યાન વસીલા-૩ નામની ટગ અકસ્માતે દરિયામાં ઉથલી પડતા ટગમાં સવાર ૭ વ્યક્તિઓ પાણીમાં ડુબ્યા હતા. આ ઘટના સમયે અન્ય ટગવાળાઓએ ૬ વ્યક્તિઓને બચાવી લી ધા હતા પરંતુ એક વ્યક્તિ ડુબી જતા તેનું મોત નિપજ્યું હતું.
તંત્ર લોકાર્પણ યોજવા મક્કમ
બપોરના સમયે દહેજના સર્વિસ પોઈન્ટ પર અચાનક ટગ ડુબતા એક વ્યક્તિનું ડુબી જતા મોત નિપજ્યું હતું. આ દુર્ઘટના બાદ સોશ્યલ મિડીયામાં વ્યાપકપણે અફવા ઉડી હતી કે, ફેરી સર્વિસનું બીજા ચરણનું લોકાર્પણ મોકુફ રહેશે પરંતુ આ અંગે સત્તાવાળ તંત્રના અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, લોકાર્પણ માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે અને કાર્યક્રમ સ્થગિત રહે તેવી કોઈ જ બાબત નથી. આથી નિયત તારીખ સમય મુજબ કાર્યક્રમ યોજાશે.