વિત્ત મંત્રી અરુણ જેટલીએ સીબીઆઈ વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને સકારાત્મક ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે આ મામલે જે પગલા ભર્યા છે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેને બળ આપે છે. જેટલીએ કહ્યું હતું કે સીબીઆઈમાં હાલમાં થયેલા ઘટનાક્રમથી તેમની પ્રતિષ્ઠા ખરાબ થઈ છે. તેમણે કહ્યું હતું કે સીબીઆઈ વિવાદમાં હકીકત બહાર આવવી દેશના હિતમાં જરૂરી છે. સીવીસી તપાસમાં સચ્ચાઈ સામે આવી જશે. આપણો દેશ આ સહન ના શકે કે ભ્રષ્ટાચારની તપાસ કરનાર એજન્સીના બે મોટા અધિકારી જ તપાસના દાયરામાં આવી જાય.
સીબીઆઈ ચીફના પદેથી ફરજીયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા બાદ આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે ત્રણ જજોની બંધારણીય બેંચે સરકારને આલોક વર્મા પર લાગેલા આરોપની તપાસ બે અઠવાડિયામાં પૂર્ણ કરી દેવા આદેશ કર્યો હતો. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું હતું કે આલોક વર્માની જગ્યાએ હંગામી ધોરણે નિમણૂક પામેલા એમ નાગેશ્વર રાવ કોઈ પણ નીતિગત નિર્ણય નહીં લઈ શકે.