અમેરિકામાં રાષ્ટ્રપતિ જેમ બાયબલ હાથમાં રાખીને પદના શપથ લે છે તેવી જ રીતે ભારતમાં પણ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીઓ વેદ લઈને પોતાના પદના શપથ લે તેવુ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજય મંત્રી સત્યપાલસિંહનું સ્વપ્ન છે.
ઉત્તર પ્રદેશમાં બાગપતમાં સાંસદ સત્યપાલસિંહ આંતરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન ૨૦૧૮માં ઉપસ્થિત રહ્યાં હતા. તેમાં તેમણે સંબોધન કર્યું કહ્યું કે, ગુનાખોરી અને આતંકવાદી પ્રવૃતિનું નિદાન વેદોના વિચાર, ઋષિજ્ઞાનથી જ થઈ શકે છે. તેમજ દેશનું ગૌરવ વધારવું હોય તો આપણે ફરી વેદ તરફ વળવુ પડશે. દેશમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીઓ બંધારણના શપથ લે છે. પરંતુ મારુ સ્વપ્ન છે કે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીઓ હાથમાં વેદ લઈને પોતાના પદની શપથ લે છે. કેન્દ્રીય મંત્રી અગાઉ પણ આધ્યાતમ તરફ ફરવાની વાત કરી ચૂક્યા છે.
તેમણે કહ્યું હતું કે, દિલ્હી, મંબઈમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા અહીં થઈ રહેલી હત્યા કરતા વધારે છે. જયાં સુધી આપણે આધ્યાત્મિક વિજ્ઞાન અંગે વિચારીશુ નહીં ત્યાં સુધી આત્મહત્યાના બનાવો અટકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રીએ અગાઉ ચાર્લ્સ ડાર્વિનના પ્રગતિશીલ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને વૈજ્ઞાનિક રીતે ખોટો ગણાવીને દાવો કર્યો હતો કે, આપણી ઉત્પત્તિ વાંદરાઓમાંથી થઈ હોય તેવુ આ વાત ઉપરથી સાબિત થતું નથી.