નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ચોમાસુ પાકને બચાવી લેવા માટે આવતીકાલ શનિવાર એટલે કે ૨૭ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે કિસાનલક્ષી નિર્ણય કર્યો છે. ખેડૂતોના ચોમાસુ પાકને બચાવવા માટે આવતીકાલથી પાંચ દિવસ માટે એટલે કે, ૩૧ ઓક્ટોબર-૨૦૧૮ સાંજ સુધી દૈનિક ૧૨ હજાર ક્યુસેક નર્મદાનું પાણી છોડવામાં આવશે. નીતિન પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં તથા ઉપરવાસમાં ઓછો વરસાદ પડવાને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ ચોમાસુ પાકની સિંચાઇ માટે સરકારે પાણી આપવાનો નિર્ણય લીધો છે. ચોમાસાની સિઝન આમ તો પૂર્ણ થવા આવી છે, તેમ છતાં ધારાસભ્યો અને ખેડૂતો દ્વારા પાણીનો છેલ્લો જથ્થો છોડવા માટે મળેલી રજૂઆતોને પગલે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. મુખ્ય કેનાલ સહિત માઇનોર કેનાલમાં દૈનિક ૧૨ હજાર ક્યુસેક પાણી છોડાશે. જે અંતરિયાળ વિસ્તારોમાં પહોંચશે અને ખેડૂતોનો પાક બચશે. હાલ સરદાર સરોવર ડેમમાં જે જથ્થો ઉપલબ્ધ છે, તેમાં ૧૨૭.૮૯ મીટરની સપાટી છે અને મધ્યપ્રદેશમાંથી પણ આવક ચાલુ છે. દૈનિક આશરે ૨૧ હજાર ક્યુસેકની આવક છે. અત્યાર સુધી દૈનિક ૬ હજાર ક્યુસક પાણી સિંચાઇ માટે અપાતું હતું, તે હવે આગામી ૫ દિવસ માટે ૧૨ હજાર ક્યુસેક પાણી છોડાશે. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક બચી જશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, શિયાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઇ માટે ૧૫ નવેમ્બરથી જરૂરિયાત અને માગ મુજબ પાણી આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે. ખેડૂતો અને કિસાન સંઘો સાથે પરામર્શ ચાલુ છે. જો સિંચાઇ માટે ખેડૂતોને પાણીની જરૂરિયાત વહેલી હશે તો તે મુજબ પણ પાણી પૂરું પાડવામાં આવશે. શિયાળુ પાક માટે પણ પાણીનો પૂરતો જથ્થો નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે જ એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂતોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સરકાર પાણી આપવા માટે બેઠી છે.