ત્રાસવાદીઓને લઇને પાકિસ્તાનની સાહનુભુતિ ફરી એકવાર વિશ્વની સામે આવી ગઇ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જાહેર અને મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાતા હાફિજ સઇદ પર પાકિસ્તાન સરકારે ફરી એકવાર મહેરબાની દર્શાવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ત્રાસવાદીઓ પ્રત્યે સાહનુભુતિ સપાટી પર આવી ગઇ છે. હાફિજના સંગઠન જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇન્સાનિયતને પાકિસ્તાને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાંથી દુર કરી દીધા છે.
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે રાષ્ટ્રપતિએ વટહુકમ જારી કરીને હાફિઝની સામે આ પગલા લીધા હતા પરંતુ હવે પાકિસ્તાનની નવી સરકારે તેને આગળ ન વધારી દેવાનો નિર્ણય કર્યો છે.
ત્રાસવાદ પ્રત્યે હળવા વલણના કારણે પાકિસ્તાનની પ્રતિષ્ઠાને સતત ફટકો પડી રહ્યો છે. ત્રાસવાદીઓ પ્રત્યે ઉદાસીનતાના કારણે અમેરિકાએ પણ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય રોકી દીધી છે. હવે ઇમરાન ખાનની સરકારને વધારે મુશ્કેલીનો સામનો આંતરરાષ્ટ્રીય મંચ પર કરવો પડી શકે છે. ઇમરાન ખાન સરકાર પાસેથી ત્રાસવાદીઓ સામે કઠોર કાર્યવાહી માટેની આશા પર હવે પાણી ફરી વળ્યુ છે. ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાને ત્રાસવાદીઓ સામે કેટલાક કઠોર પગલા લીધા હતા. ત્યારબાદ વૈશ્વિક ત્રાસવાદી સંગઠનના લીડર હાફિજે આ નિર્ણયને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ભારત અને અમેરિકા સહિતના કેટલાક દેશોના દબાણ હેઠળ પાકિસ્તાને ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી હતી. હવે ફરી તેમની સામે હળવુ વલણ નવી સરકાર અપનાવી રહી છે. જેના કારણે હવે ભારત સાથે સંબંધ સુધરવાની આશા દેખાતી નથી. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનુન હુસૈને એક વટહુકમ જારી કરીને આતંકવાદ વિરોધી કાનૂન ૧૯૯૭માં સુધારો કર્યો હતો. ત્યારબાદ એવા આતંકવાદીઓ અને સંગઠનો ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા હતા જેમનું નામ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નોંધાયેલું હતું. જમાત ઉદ દાવા અને ફલાએ ઇન્સાનિયત ફાઉન્ડેશનનું નામ પણ આમા સામેલ હતું. હવે આ બંને સંગઠનોને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ બંને સંગઠનો ઉપર પણ વટહુકમ મારફતે પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. સઇદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ તેમના વકીલ રાજા રિઝવાન અને અબ્બાસી તેમજ સોહેલે ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં ગુરુવારના દિવસે કહ્યું હતું કે, આ વટહુકમ હવે કાયદેસર નથી. કારણ કે, પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ સરકાર આને આગળ વધારવા માટે તૈયાર નથી. પાકિસ્તાની અખબાર ડોનના કહેવા મુજબ વૈશ્વિક આતંકવાદી જાહેર થયેલા હાફીઝે એવા વટહુકમને પડકાર ફેંક્યો હતો જેમાં તેના સંગઠનોના બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમની અરજીમાં સઇદે દાવો કર્યો હતો કે, વટહુકમ પાકિસ્તાનની એકતા અને બંધારણની વિરુદ્ધમાં છે. સઇદના વકીલે હાઈકોર્ટના જજ આમેર ફારુકને કહ્યું હતું કે, વટહુકમને વર્તમાન સરકારે આગળ વધાર્યો નથી. સાથે સાથે પાકિસ્તાનની સંસદમાં આને રજૂ પણ કરવામાં આવ્યો નથી. આ વટહુકમ કાયદો બની શકે તે દિશામાં કોઇ પહેલ થઇ નથી.