જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરોનો દોર જારી રહ્યો છે. દક્ષિણ કાશ્મીરમાં ત્રાલ અને બારામુલ્લા બાદ સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરમાં અભિયાન વધુ તીવ્ર બનાવ્યું છે. અહીંના સોપોરેમાં ત્રાસવાદીઓની સામે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. ગુરુવારના દિવસે સુરક્ષા દળોએ બે જુદી જુદી અથડામણમાં છ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સોપોરેના પઝલપોરા ગામમાં છુપાયેલા ત્રાસવાદીઓએ એકાએક સુરક્ષા દળો ઉપર ગોળીબાર કર્યો હતો. જેનો તરત જવાબ આપવામાં આવ્યો હતો. સામ સામે કલાકો સુધી ગોળીબાર બાદ બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. અથડામણમાં એક જવાને પણ પ્રાણોની આહૂતિ આપી હતી. ગોળીબારમાં જવાનને ઇજા થઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આતંકવાદીઓની સામે ઓપરેશનમાં સેનાની રાષ્ટ્રીય રાયફલ, પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફે મોરચા સંભાળી લીધા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને કાર્યવાહી હાથ ધરી હતી.
પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ત્રાસવાદીઓએ સેનાના કેમ્પમાં હુમલો કર્યો હતો. ૪૨ રાષ્ટ્રીય રાયફલના કેમ્પમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક જવાન શહીદ થયો હતો. રાજ્યમાં એન્કાઉન્ટરોનો દોર જારી રહ્યો છે. કાશ્મીર ખીણના બારામુલ્લા અને અનંતનાગમાં એન્કાઉન્ટરમાં હાલ છ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ હેઠળ જોરદાર કાર્યવાહી ચાલી રહી છે.