શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા યુવાનનું ચિત્ર પાસેથી ૬ શખ્સોએ અપહરણ કરી ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી તથા યુવાન પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છુટતા યુવાને ડી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મુળ સીહોર તાલુકાના ખાંભા ગામનો વતની હાલ ફુલસર વિસ્તારમાં રહેતો યુવાન ગોપાલ ધીરૂભાઈ ચૌહાણ (ઉ.વ.રર) ફુલસર તેની બેનના ઘરે રહી બોરતળાવ વિસ્તારમાં આવેલ હિરાના કારખાનામાં કામ કરતો હોય જેમાં યુવાનને ખાંભા ગામે કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકા રાખી ખાંભા ગામના વિપુલ વાઘા બુધેલીયા, ભરત ચોથા બુધેલીયા, હરેશ જીણા બુધેલીયાએ ગત નવરાત્રી દરમ્યાન ગોપાલને ખાંભા ગામે માર માર્યો હતો. ત્યાર બાદ તા. રપ-૧૦ના રોજ સાંજના સમયે યુવાન તેના મિત્ર સાથે ચિત્રા લગ્ન પ્રસંગે ડી.જે.નું નક્કી કરવા માટે ગયો હોય જે દરમ્યાન વિપુલ, ભરત તથા હરેશ સહિત ત્રણ અજાણ્યા શખ્સો બાઈક પર આવી ગોપાલને બળજબરી પુર્વક બાઈક પર બેસાડી કોઈ પદાર્થ સુંધાડી બે શુધ્ધ કરી સિહોરથી ખાંભા તરફ જવાના રોડ પર આવેલ અવાવરૂ બાવળની કાંટમાં લઈ જઈ લાકડાના ધોકા-પાઈપ વડે ઢોર માર મારી ફરિ બાઈક પર બેસાડી વરતેજ નજીકના નવાગામ પાસે ફેંકી નાસી છુટયા હતાં. આ બનાવ સમયે આરોપીઓએ ગોપાલના ખીસ્સામાંથી રોકડા રૂા. પ હજાર લૂંટી લીધા હતા તથા મોબાઈલ તોડી નાખ્યો હતો. આ યુવાન તેના પરિવાર સાથે ડી.ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ લખાવવા પહોંચતા કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થતા ડીવાયએસપી મનિષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ડી.ડીવી. દોડી ગયો હતો. જયાં લોકોએ આરોપીને ઝડપી લઈ આકરી સજાની માંગ કરી હતી. તથા અપહૃયત ગોપાલએ ૬ આરોપીઓ વિરૂધ્ધ લૂંટ, ઢોર માર મારવાની તથા જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.