મોબાઇલ અને ઇન્ટરનેટ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયાં છે. થોડો સમય પણ ઇન્ટરનેટ બંધ રહે તો આપણે અકળાઇ ઊઠીએ છીએ. હકીકતમાં આ બંને દુનિયાના કરોડો લોકો અને ખાસ કરીને યુવાઓ માટે એક જોરદાર લત બની ગયાં છે. એઇમ્સ દ્વારા કરાયેલા એક અભ્યાસનાં તારણો ચોંકાવનારાં અને ચિંતાજનક છે. દરેક બીજો યુવા (યુવક કે યુવતી) મોબાઇલનો વ્યસની બની ગયો છે. આ અભ્યાસ કહે છે કે મોબાઇલના વળગણથી સામાજિક અને પારિવારિક જિંદગી વધુ જટિલ બની રહી છે. અભ્યાસમાં એવી ચોંકાવનારી કબૂલાત ૧૪ ટકા લોકોએ કરી છે. તેમના કહેવા પ્રમાણે મોબાઇલના વળગણના લીધે તેમના સંબંધો પણ જોખમમાં મુકાઇ ગયા છે, જોકે આશ્વાસન લેવા જેવી બાબત એ પણ છે કે મોબાઇલની લત નુકસાનકારક છે તેવી સમજણ પણ લોકોમાં વધી છે.
૩પ ટકા લોકોએ માન્યું કે તેમને મોબાઇલની લતનાં એક કે બે લક્ષણ હતાં. ત્રણથી છ લક્ષણની કબૂલાત ૧૪ ટકાએ જ્યારે સાતથી નવ લક્ષણ હોવાનું પાંચ ટકા લોકોએ સ્વીકાર્યું હતું. ૪૧ ટકા લોકોએ કહ્યું કે મોબાઇલની લતથી છૂટવા માટે તેઓ મનોચિકિત્સકની મદદ લેવાનું વિચારે છે. ૧પ ટકા લોકોએ આવી મદદ લીધી હોવાનું કહ્યું હતું. અભ્યાસમાં સામેલ લગભગ ર૦ ટકા લોકોએ નિખાલસ કબૂલાત કરી કે તેઓ તેમની મોબાઇલની લતથી પીછો છોડાવવા માગે છે પણ છોડી શકતા નથી. ૧૯ ટકા લોકોએ એ પણ સ્વીકાર્યું કે મોબાઇલની લતથી જીવનની ઘણી બાબતોમાંથી તેમનો રસ ઓછો થઇ ગયો છે. નિષ્ણાતોના મતે આ અભ્યાસથી મળેલા આ આંકડા ચોંકાવનારા છે. ભવિષ્યમાં તેનાં ગંભીર પરિણામ આવી શકે છે.