મોદીના માનીતા અઢિયા પર ભ્રષ્ટાચારનો આરોપ મુકાયો

668

રાકેશ અસ્થાના પછી મોદીના માનીતા વધુ એક ઉચ્ચ અધિકારી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના સંયુક્ત નિયામક રાજેશ્વર સિંઘે નાણાં મંત્રાલયના સચિવ હસમુખ અઢિયા સામે ત્રણ મહિના પહેલાં ગંભીર આક્ષેપો કર્યા હોવાની વિગતો બહાર આવી રહી છે. ગુજરાત કેડરના ત્રણ અધિકારી કેન્દ્ર સરકારની છાપ ખરડી રહ્યા છે એવો ચીંટિયો સુબ્રહ્મણ્યમ સ્વામીએ ભર્યા પછી એક નવો વિવાદ સામે આવ્યો છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમના માનીતા ગણાતા હસમુખ અઢિયા હાલ કેન્દ્રમાં નાણાં મંત્રાલયના સચિવ તરીકેની અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. ગત જૂન મહિનામાં અઢિયા સામે ઇડીના જોઈન્ટ ડિરેક્ટરે ગંભીર આક્ષેપો કરતો પત્ર ઇડીના ડાયરેક્ટર કર્નલસિંઘને લખ્યો હતો. એ વખતે સર્જાયેલો વિવાદ હવે નવેસરથી આગ પકડે તેવી શક્યતા જણાઈ રહી છે.

ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી અઢિયા ૧૯૮૧ની બેચના આઈએએસ છે. મૂળ ગુજરાતી હોવાના નાતે પરંપરાગત ગુજરાતી કોઠાસૂઝ ધરાવતા અઢિયાની કામગીરીથી મુખ્યમંત્રી તરીકે મોદી ભારે પ્રભાવિત હતા અને તેમણે ગુજરાતમાં પોતાના શાસન દરમિયાન અઢિયાને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી હતી.

મોદી વડાપ્રધાન બન્યા બાદ નવેમ્બર, ૨૦૧૪માં અઢિયાને દિલ્હી લાવવામાં આવ્યા અને નાણાં મંત્રાલયના સચિવ તેમજ મહેસુલ સચિવ તરીકેની ચાવીરૂપ જવાબદારી સોંપવામાં આવી. નોટબંધી જેવા અત્યંત ગંભીર નિર્ણય વખતે પણ હસમુખ અઢિયાની નિર્ણાયક ભૂમિકા હતી.

Previous articleખુશખબર..!! દિવાળીમાં રેલવે ૩૨૧ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
Next articleમલાઇકા અરોરા અને અર્જુન આગામી વર્ષમાં લગ્ન કરી શકે