ધેધુમાં ગ્રામ પંચાયતના સરપંચ-તલાટીએ ગેરકાયદે વૃક્ષો કપાવી નાખ્યાની કથિત ફરિયાદ ગામનાં યુવાને ગાંધીનગર સુધી કરતા કલોલ મામલતદાર દ્વારા નોટિસ પાઠવાઈ છે.ધેધુ ગામે ગત ગત માં તાલુકા વિકાસ અધિકારીનાં આદેશથી જેસીબી સાથે દબાણ હટાવવા ગયેલી ટીમ દ્વારા ગામમાં પાણીની ટાંકી પાસે ઉભેલા લીલા વૃક્ષોનો સોથ વાળી દેવાયો હતો.
સર્કલ ઇસ્પેકટર, તલાટી તથા સરપંચની હાજરીમાં જ આ કામગીરી કરવામાં આવી હતી. આ મુદ્દે વિવાદ જાગ્યા બાદ ગામનો જાગૃત યુવાન મેદાને પડ્યો હતો અને જિલ્લા તથા રાજયકક્ષાએ રાવ કરતા કલોલ મામલતદાર દ્વારા સરપંચ(ગ્રામ પંચાયત), તલાટી તથા તાલુકા વિકાસ અધિકારી સામે નોટિસ કાઢવામાં આવી છે અને જવાબ રજુ કરવા મુદત અપાઈ છે.
ગ્રામ પંચાયતે તથા સરકારી તંત્રએ મનમાની કરીને ૬ઠ્ઠી મેનાં રોજ લીલા વૃક્ષોનો જ ઘાણ બોલાવી દેવા સામે ગ્રામજનો વતી વાધો ઉઠાવનાર નરેન્દ્રકુમાર જુહાજી ઠાકોરનાં જણાવ્યાનુંસાર ગામમાં દબાણો સામે કાર્યવાહી કરવા માટે તાલુકા વિકાસ અધિકાર દ્વારા આ દિવસે જેસીબી સાથે ટીમ મોકલવામાં આવી હતી. જેમાં સર્કલ ઇન્સ્પેકટર, તલાટી તથા સરપંચ સહિતનાં હોદેદારો-અધિકારીઓ હાજર હતા. તાલુકા વિકાસ અધિકારીનાં આદેશથી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. પાણીની ટાંકી પાસે ૬ લીલા વુક્ષો પણ કાપી નાંખવામાં આવતા વાંધો ઉઠ્યો હતો. ત્યારે તંત્રએ વૃક્ષો દબાણમાં હોવાનો બચાવ કર્યો હતો.
નરેન્દ્રકુમારે આ મુદ્દે કલોલ મામલતદારથી માંડીને જિલ્લામાં તથા સચિવાલયમાં રાવ કરી હતી. ત્યારે મામલતદાર કોર્ટ કલોલ દ્વારા સને ૧૯૫૧નાં સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિક્રમાંક ૧૭ની કલમ ૩ અન્વયે સરપંચ, તલાટી તથા ટીડીઓ સામે નોટિસ કાઢી છે. નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે ઉપરોક્ત કલમની જોગવાઇ મુજબ મંજુરી લીધા વિના જ વૃક્ષો કાપવામાં આવ્યા છે તેવી માહિતી મળી છે. જે અનધિકૃત કૃત્ય કરી કાપેલા વૃક્ષ વેગ કરવાનો અને હાની પહોચાડવાનું કૃત્ય કરેલ છે.
ઉપરોક્ત કલમનો ભંગ થાય છે. ત્યારે દોષીત ઠરેથી ઝાડ દીઠ રૂ.૧ હજાર સુધીનો દંડ કેમ ન કરવો ? કાપેલા વૃક્ષનું લાકડુ જપ્ત કરી અથવા તેના જેટલી જ રકમ શા માટે વસુલ ન કરવી ? તેનો જવાબ માંગવામાં આવ્યો છે. તા ૧૨મી નવેમ્બરે બપોરે કચેરીમાં લેખીત અથવા મૌખીક પુરાવા સાથે બિનચુક હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યુ છે.