મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સેવાનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, વિકાસ આધુનિક કેવો હોય અને અશક્ય કઇ રીતે શક્ય બને તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશ-દુનિયાને બતાવી આપ્યું છે. તેમણે જાહેર કર્યુ કે, ડિસેમ્બર-૧૮માં હજીરા-ઘોઘા વચ્ચે ફેરી સેવા શરૂ કરાશે. મુખ્યમંત્રીએ યાત્રાધામોને જોડવા કચ્છ-પોરબંદર-સોમનાથ-દ્વારકાને પણ આવી સેવાઓથી જોડવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, નભ-થળ-જળના ક્ષેત્રે વિશ્વમાં જે કઇ શ્રેષ્ઠ છે તેને ગુજરાતમાં ઉતારીને રાષ્ટ્રના વિકાસને સોળે કળાએ ખિલવવો છે. વિકાસના વાવટા દશે દિશામાં ફરકાવીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇની કલ્પના મુજબ ભારતને વિશ્વગુરૂ બનાવવા સૌ ગુજરાતીઓ એક બની નેક બની અગ્રેસર રહેશે. મુખ્યમંત્રી ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસનો લોકાર્પણ કરાવીને આ પ્રથમ સર્વિસ જહાજમાં જનારા વાહતુક વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન સંકેત આપ્યો હતો.
આ સેવા શરૂ થવાને પરિણામે ઘોઘા-દહેજનું માર્ગ અંતર જે આશરે ૩૬૦ કિ.મી છે તે દરિયાઇ માર્ગે ઘટીને ૨૨ નોટિકલ માઇલ એટલે કે ૩૧ કિ.મી. થઇ જશે. એટલું જ નહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે ટૂંકા અંતરની સફર સરળ બનવાથી સમય-પેટ્રોલ-ડીઝલનો બચાવ અને માર્ગ પરનું ભારણ પણ ઘટશે. વિજયભાઇ રૂપાણીએ આ સેવા ભાવનગર-ભરૂચ જિલ્લાની દરિયાઇ વેપાર યાતાયાત સાથે ઔદ્યોગિક પ્રગતિનો નવો અધ્યાય બનશે તેમ પણ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતનો ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો હવે દેશના સામૂહિક વેપારનું પ્રવેશ દ્વાર બની રહ્યો છે અને ગુજરાતના બંદર પરથી મહત્તમ કાર્ગોનું વહન થાય છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે આમ નાગરિકને સરળ અને સહજ યાતાયાત સુવિધા આપવા સસ્તી હવાઇ સેવા આપ્યા બાદ આ જળ માર્ગ સેવા પણ આપીને આમ આદમી માટે અમીરો જેવી સફરની સગવડ આપી છે. ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રો-રો ફેરીનું ઉદ્ધઘાટન કરી જે રો-પેક્ષ ફેરીનું સ્વપ્ન જોયું હતું તે આજે સાકાર થયું છે. આજે ઐતિહાસિક અવસર છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, દરિયાઇ માર્ગે મુસાફરીથી માનવ કલાકોની બચત સાથે ઇંધણની પણ મોટા પાયે બચત થશે.
રો-રો ફેરી સર્વિસ અને રો-પેક્ષ ફેરી સર્વિસ અનેક પ્રતિકૂળતા વચ્ચે પણ ઝડપથી સફળતાપૂર્વક શરૂ થઇ છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ફેરી સર્વિસ શરૂ થવાથી સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી રોજિંદા યાતાયાત માટે સુરત-મુંબઇ જતા ૧૨,૮૦૦ લોકો, ૫,૨૨૦ વાહનોનું ભારણ રસ્તા માર્ગે ઓછુ થશે. ઘોઘા થી દહેજનું અંતર જે આશરે ૩૬૦ કિ.મી. છે અને જેને કાપતા ૮ થી ૧૦ કલાક લાગતા હતા તેની જગ્યાએ દોઢ જ કલાકમાં ઘોઘા થી દહેજ પહોચી શકાશે.
આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, ભાવનગરના મેયર મનહરભાઇ મોરી, કલેક્ટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બનરવાલ, હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રભાઇ સરવૈયા, બંદર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમર, ગુજરાત મેરીટાઇમના ઉપધ્યક્ષ અને કારોબારી અધિકારી મુકેશકુમાર તથા ભાવનગર જિલ્લાની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
મુખ્યમંત્રી સાથે મોટીસંખ્યામાં દિગ્ગજો જોડાયા
બપોરે ૩-૩૦ કલાકે ઘોઘા ટર્મીનસ પર સમુદ્રની ભરતી શરૂ થતાની સાથે મુખ્યમંત્રીનો કાફલો દહેજ જવા માટે શીપ પર આવી પહોંચ્યો હતો. તેમની સાથે પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, ડો.ધીરૂભાઈ શિયાળ, મેયર, ડે.મેયર, શાસક પક્ષના નેતા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તથા ભાજપના અન્ય હોદ્દેદારો અને જિ.પં. પ્રમુખ વકતુબેન મકવાણા, ભાવેણાના અગ્રણી ઉદ્યોગપતિ ગૌરવભાઈ શેઠ, સુરત હિરા ઉદ્યોગના અગ્રણી લવજીભાઈ ડાલીયા (લવજી બાદશાહ), ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરના સુનિલભાઈ વડોદરીયા સહિત અનેક રાજકિય તથા સામાજીક અને ઔદ્યોગિક બાબતો સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા. આ સફર સાથે મુખ્યમંત્રી રૂપાણી તથા પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી મુસાફરી કરી રહેલ પ્રવાસીઓને મળ્યા હતા અને યોજના-સફર અંગે પ્રતિભાવો માંગ્યા હતા. ઘોઘાથી દહેજ સુધીના દોઢ કલાકના સફર દરમ્યાન મુખ્યમંત્રીએ શીપના તમામ વિભાગોનું નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.
આજથી બે વેસલ સેવા માટે ઉપલબ્ધ થશે
પ્રથમ દિવસે કાર્ગો કમ પેસેન્જર શીપ દ્વારા સમુદ્રી પરિવહન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ એકાદ બે દિવસમાં સુરત ખાતે હિરાના કારખાનાઓમાં વેકેશન જાહેર થતાની સાથે મોટીસંખ્યામાં લોકોનો પ્રવાહ સૌરાષ્ટ્ર ભણી આવવા શરૂ થશે. આ ઘસારાને પહોંચી વળવા માટે નવી ઉપરાંત પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવેલ પેસેન્જર શીપ પણ સેવામાં મુકવામાં આવી છે. દહેજથી ઘોઘા આવવા માટે મુસાફરોના ઘસારા સંખ્યા મુજબ આ સેવા ઉપલબ્ધ બનશે તેવી જાહેરાત સંચાલક કંપની દ્વારા કરવામાં આવી છે. બીજા ચરણની સેવામાં નાનામાં નાનો વ્યક્તિ આ પરિવહન સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તેવી ખાસ તકેદારી રાખવામાં આવી છે. સુરતમાં આ સેવાનો બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ મુસાફરી તદ્દન સરળ અને વ્યાજબી બની રહેશે.