ઈડીના ચીફ કરનૈલ સિંહ દોઢ વર્ષ બાદ સેવાનિવૃત્ત થયા છે. તેમના સ્થાન સંજય મિશ્રાને ઈડીના કાર્યકારી પ્રમુખનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. સેવાનિવૃત્તિ બાદ સતત સેવાવિસ્તાર સામે સવાલો ઉઠતા હતા અને કેન્દ્ર સરકારે કરનૈલ સિંહને આ વખતે એક્ટેન્શન આપવાનું માંડી વાળ્યું છે.
ઈડીના કાર્યકારી ચીફ સંજય મિશ્રા ૧૯૮૪ની બેચના આઈઆરએસ અધિકારી છે. તેઓ દિલ્હીના ઈન્કમટેક્સ વિભાગમાં મુખ્ય કમિશનર તરીકે કાર્યરત હતા. મિશ્રા એનડીટીવી વિરુદ્ધની તપાસ અને ગાંધી પરિવાર સાથે જોડાયેલા નેશનલ હેરાલ્ડના કેસો જોઈ રહ્યા હતા. સંજય મિશ્રા અમદાવાદમાં પણ સેવા આપી ચુક્યા છે. તેઓ ગૃહ મંત્રાલય અને ઈડીમાં પણ કામગીરી કરી ચુક્યા છે.
પહેલા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કરનૈલસિંહનો કાર્યકાળ ફરીથી લંબાવાય તેવી શક્યતા છે. કરનૈલ સિંહને સરકાર ત્રણ વખત સેવાવિસ્તાર આપી ચુકી છે. માનવામાં આવે છે કે કરનૈલ સિંહ ઈડીના સંયુક્ત નિદેશક રાજેશ્વરસિંહના નિકટવર્તી છે. આ પહેલા સરકાર રાજેશ્વરસિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આર એન્ડ ડબલ્યૂ નોટ આપી ચુકી છે.
તેમની વિરુદ્ધ ઘણાં ગંભીર આરોપ લાગી ચુક્યા છે. આ મામલામાં કરનૈલસિંહે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને પોતાના સહયોગીનો બચાવ કરી ચુક્યા હતા અને આરોપોને પણ રદિયો આપી ચુક્યા છે. ઈડીના સંયુક્ત નિદેશક રાજેશ્વરસિંહે વડાપ્રધાન મોદીની નજીક ગણાતા મહેસૂલ સચિવ હસમુખ અઢિયા પર ઘણાં સવાલો ઉઠાવ્યા હતા. સંયુક્ત નિદેશક રાજેશ્વર સિંહે અઢિયા પર પોતાની બઢતીની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઈડીના નિદેશક કરનૈલસિંહે ૧૧ જૂન-૨૦૧૮ના રોજ લખેલા પત્રને સચિવને મોકલ્યો હતો. ફોર્સ લીવ પર મોકલાયેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માના ટેબલ પર ઘણાં એવા મામલા હતા કે જેને તેઓ ગંભીરતાથી લઈ રહ્યા હતા. આમાનો એક મામલો સરકારના નાણાં અને મહેસૂલ સચિવ હસમુખ અઢિયાનો પણ હતો. અઢિયા વિરુદ્ધ સીબીઆઈમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ ફરીયાદ કરી છે.
તાજેતરમાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યુ હતુ કે વડપ્રધાન કાર્યાલય અને તેમની ટીમના ચાર અધિકારીઓની કામ કરવાની રીત વડાપ્રધાન મોદીને શરમજનક સ્થિતિમાં નાખે તેવી શક્યતા છે.
સ્વામીએ ગુજરાત કેડરના આઈએએસ હસમુખ અઢિયા, આઈપીએસ રાકેશ અસ્થાન, પી. કે. મિશ્રા અને ભાસ્કર ખુલ્બેના નામ લીધા હતા. સ્વામીનો આરોપ છે કે આ ચારેય અધિકારીઓ પુરોગામી યુપીએ સરકારમાં નાણાં પ્રધાન રહેલા પી. ચિદમ્બરમને બચાવામાં મદદ કરે છે. સુબ્રમણ્યમ સ્વામીએ પી. ચિદમ્બરમને સૌથી મોટા ભ્રષ્ટ વ્યક્તિ પણ ગણાવ્યા છે. તેમણે કહ્યુ છે કે જો આલોક વર્મા જેવા ઈમાનદાર અધિકારીઓને હટાવી દેવામાં આવશે.. તો ભારત ભ્રષ્ટાચાર સામે લડી શકશે નહીં.
સંજય મિશ્રા ૧૯૮૪ની બેચના આઈઆરએસ અધિકારી છે