પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને જણાવ્યું કે, પાકિસ્તાનમાં લોકશાહી નામની કોઇ વસ્તું નથી અને દેશને સેના ચલાવી રહી છે. તેમણે જણાવ્યું કે, આ કેવી લોકશાહી છે કે, જેમાં લોકોને પૂંછ્યા વગર, સંસદને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો લેવાઇ રહ્યા છે. આ લોકશાહી નથી. મારા મતે હવે તેમણે સ્વીકાર કરી લેવો જોઇએ કે, પાકિસ્તાનમાં સૈન્ય શાસન છે. એક આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ગરીબી પર ચર્ચા દરમિયાન રેહમ ખાને તેમના પૂર્વ પતિની આલોચના કરતા જણાવ્યું કે, હાલ પાકિસ્તાન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. વડાપ્રધાન સાઉદી અરબના પ્રવાસે જાય છે અને ત્યાં પાકિસ્તાનની ગરીબી વિશે ચર્ચા કરે છે અને જણાવે છે કે, તેમના દેશ પાસે નાણાં નથી. મારા મતે કોઇપણ સામાન્ય વ્યકિત જે વેપાર કરે છે અથવા રોકાણ કરતો હોય તે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના દેશનું અપમાન કરશે નહી. રેહમે આ મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, જેવી રીતે દાનના સ્વરૂપમાં આપણને ફંડ પ્રાપ્ત થયું છે, જે શરતો પર મળ્યું છે તેના વિશે સંસદમાં ચર્ચા થવી જોઇએ. નોંધનયી છે કે, ગત દિવસોમાં નાણાં કટોકટીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને સાઉદી અરબે ૬ અબજ ડોલરની મદદ કરી હતી.