વિધાનસભા ચૂંટણી માથે આવે તેની સાથે મતદારોને પ્રભાવિત કરવા આંતરિક માર્ગોનું નવીનીકરણ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે. પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે ૪૮.૫૦ લાખના ખર્ચે ડામર કાર્પેટ કરવામાં આવી રહી છે. તેમાં ૩૭૬ કિલોમીટર લંબાઇના માર્ગને આવરી લેવાયા છે અને મોટા ભાગના સેક્ટર તથા સરકારી વસાહતોના વિસ્તારને પણ સમાવી લેવાયા છે. મહાપાલિકા દ્વારા ચોમાસા પહેલા નગરના રસ્તાના સમારકામ માટે પાટનગર યોજના વિભાગને ૨૮ કરોડ જેવી જંગી રકમ ફાળવી દેવામાં આવી હતી. સેક્ટર ૨૦થી ૩૦માં સરકારી વસાહતોનાં આંતરિક ૧૪૦ કિમી રસ્તા પાછળ ૬૧૫ લાખ ખર્ચાશે. સેક્ટર ૨૮ જીઆઇડીસીમાં ૧૧૬ લાખના ખર્ચે ૨.૮૫ કિલોમીટર, સેક્ટર ૩, ૩ ન્યુ, ૪ અને ૫માં ૯૪૭ લાખના ખર્ચે ૭૮.૪૩ કિલોમીટર ડામર કાર્પેટ કરવામાં આવશે.