ગુસ્તાખી માફ

1043

સરદાર ખરા અર્થમાં જ સરદાર હતા : તેમના પેગડામાં પગ નાખવાની કોઈ નેતાની હિંમત નથી

૧૮૭૫ની ૩૧મી ઓકટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૦મી જન્મજયંતી આજે છે. દેશની આજની દશા અને દિશા જોતાં સરદારનું સ્મરણ વિશેષ સુસંગત બની રહે છે.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે છેક ૧૯૫૯ની ૧૩મી મેએ પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું છેઃ ‘જેના વિષે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે, છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.’સરદાર વલ્લભભાઇ પટેલ એવા અનોખા સરદાર હતા જે એક સંપૂર્ણ સમર્પિત સિપાઈ પણ હતા. સરદાર સાથે જવાહરલાલ નહેરુને અનેક મતભેદ હતા. રાષ્ટ્રપિતા ગાંધીજીના આશીર્વાદથી નહેરુ આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા તથા સરદાર નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. સેંકડો રજવાડામાં વિભક્ત ભારતને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય સરદારની આગવી કોઠાસૂઝથી પાર પડયું. જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીરના ભારત સાથેનાં જોડાણ પૂર્વેની સમસ્યાઓ અને એ કેવી રીતે ઉકેલાઇ એ જગજાહેર છે. પાકિસ્તાને કાશ્મીર પર કરેલા દાવાનો મુદ્દો યુનોમાં લઇ જવાની તરફેણમાં સરદાર બિલકુલ નહોતા. નહેરુનો આગ્રહ હતો. એ માટેનાં એમની પાસે ત્યારે જે કારણો હતાં એ કેટલાં ‘સબળ’ હતાં એ કાશ્મીર સમસ્યાના આજ સુધીના ઈતિહાસે પુરવાર કરી દીધું છે.સ્વાતંત્ર્ય સંગ્રામના કર્મઠ સેનાની એવા જૂના વિશ્ર્‌વાસુ સાથી તથા પ્રવર્તમાન સ્થિતિના તલસ્પર્શી અભ્યાસી ગૃહપ્રધાનના અભિપ્રાય અને અભિગમને આદર્શવાદી વડા પ્રધાને ન સ્વીકાર્યો. એનાં ભારતે કેવાં-કેટલાં ઘાતક પરિણામો ભોગવવાં પડયાં છે એની વિગતો આપવાની કોઈ જરૂર નથી. આવા મહામાનવ સરદારને પણ આઝાદ ભારતના શાસકોએ જાહેર સ્તરે ક્રમશઃ અને પદ્ધતિસર ભુલાવી દીધા. એના મૂળમાં નહેરુ- ગાંધી પરિવારની ક્ધિનાખોરીભરી દૃષ્ટિ હતી એમ કહેવામાં ભાગ્યે જ થોડી અતિશયોક્તિ હશે. આ પરિવારે જ દેશ પર સૌથી વધુ લાંબો સમય શાસન કર્યું છે એટલે એમની ઈચ્છા કે એમના આદેશ વગર તો સરદારની આવી ઉપેક્ષા થઈ જ ન શકે. સરદાર પોતે કે એમનો પરિવાર આ બધાંથી કેટલા જોજન છેટો હતો! સરદારના અવસાન પછી એમનાં અંગત મંત્રી એવાં પુત્રી મણિબહેને વિના વિલંબે સરકારી બંગલો ખાલી કરી દીધો. બંગલામાંથી સમેટવાની અંગત વસ્તુઓ જ એટલી ઓછી હતી કે એમાં એમને કોઈ તકલીફ ન પડી. એ વખતે મણિબહેને સરદારનું બેન્ક ખાતું પણ બંધ કરાવ્યું ત્યારે અંદર સિલક હતી રૂ. ૭૬૫ની! (કોઇકે એ સિલક રૂ. ૨૭૮ હોવાનું પણ નોંધ્યું છે) ભારત જેવા વિશાળ દેશના ગૃહપ્રધાનના બેન્ક ખાતાની સિલક રૂ. ૭૬૫!! આ એક હકીકત પછી એમના આદર્શો, એમની નિસ્પૃહિતા વિષે કંઈ ઉમેરવાનું શેષ રહે છે?

પેટ્રોલ કરતાં ડીઝલના ભાવ વધારે  અંધેર નગરી ને ગંડુ રાજા જેવું શાસન

સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અંતર હોય છે કેમ કે પેટ્રોલની બળતણ શક્તિ ડીઝલથી વધારે હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તો પેટ્રોલ ખાસ કરીને વ્હીકલને વધુ તાકાત આપે છે. એટલા માટે પેટ્રોલના ભાવ ડીઝલથી વધારે હોય છે. પણ કદાચ પહેલીવાર દેશમાં એવું બન્યું છે કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થોડા પૈસાનો જ  ગાળો રહી ગયો. એટલું જ નહિ ઓરિસ્સામાં તો ડીઝલનાં ભાવ પેટ્રોલથી વધી ગયા..! પેટ્રોલ ૮૦.૨૭નાં ભાવે અને ડીઝલ ૮૦.૪૦નાં ભાવે વેચાયું. સરકારની અને ઓઈલ કંપનીઓની આ કેવી નીતિ..? એક સમયે આ બંન્ને પદાર્થોના ભાવ વચ્ચે લગભગ ૧૦નો ફેરફાર રહેતો હતો પરંતુ વર્તમાન સરકારે ન જાણે કેવો જાદુ કર્યો કે ધીરે ધીરે ભાવોનું અંતર ઓછું થતું ગયું અને ઓરિસ્સામાં માનો તો રેકોર્ડ બની ગયો. પેટ્રોલ-ડીઝલનાં ભાવોને લઈને રાજનીતિ થતી આવી છે. અગાઉની સરકારમાં ભારે ઉહાપોહ કરવાવાળા પોતે સરકારમાં આવ્યા ત્યારે એવી વાતો કરવા લાગ્યા કે લોકોને લાગે કે આ બે મોઢાની વાત છે.  કેરી અને ગોટલીનાં ભાવ ક્યારેય એક સરખા ન હોઈએ શકે. એજ રીતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ એક સમાન ન હોઈ શકે પણ એવું થઇ રહ્યું છે કે કેરી અને કેરીમાંથી નીકફ્રતી ગોટલીનાં ભાવ એક સરખા થઇ રહ્યા છે. કહેવત છે કે ‘અંધેરી નગરી ગંડુરાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા…’ ભાજી અને ખાજા એટલે કે મીઠાઈના ભાવ એક સમાન ન હોઈ શકે. પણ રાજા જ એવો હતો કે તેના રાજ્યમાં બંને એક જ ભાવથી વેચાતા હતા. એટલા માટે તેને અંધેરી નગરી કહેવામાં આવી છે. સરકારમાં બેઠેલા લોકોને શું પેટ્રોલ અને ડીઝલના ભાવોની ખબર નહિ પડતી હોય..?? કમ સે કમ પેટ્રોલિયમ મંત્રીને તો જાણ થતી જ હશે. તેઓ પણ હાથ ઉપર હાથ મુકી બેસી ગયા છે અને ડીઝલ વ્હીકલ ધરાવનારા પેટ્રોલથી વધુ ભાવ ઓરિસ્સામાં આપી રહ્યા છે. આવું કેમ થઇ રહ્યું છે..?? સરકારી ઓઈલ કંપનીની ભુલ છે કે પછી જાણી જોઇને થઇ રહ્યું છે કે પછી કોઈ રાજ્યમાં વેટ વધારે હોવાના કારણે થઇ રહ્યું છે. તેની થોડી પણ ચિંતા સરકારમાં બેઠેલામાં કોને છે એ તો તેઓ જ જાણે. લોકો બિચારા ચિંતામાં છે કે હવે શું થશે..??  કાચા તેલનાં ભાવોને લઈને સરકાર પોતાનો બચાવ કરતી રહી છે. પણ ક્યાં સુધી તેને જવાબદાર ઠેરવવાનાં નિષ્ફળ પ્રયાસો થતા રહેશે..? આ સરકારી કંપનીઓ આખરે કેટ-કેટલો નફો કમાઈને સરકારને આપવા માટે છે કે પછી જેના પૈસા લાગ્યા છે તે પ્રજાને માટે..? વધતી મોંઘવારી. વધતા પેટ્રોલ-ડીઝલનાં ભાવોથી આમ પ્રજા પરેશાન છે. આખરે ગરબડ-ગોટાળો ક્યાં છે..?? દિલ્હીમાં કે પછી સરકારી ઓઈલ કંપનીઓમાં..? ગરબડ નથી તો પછી આવું કેમ થઇ રહ્યું છે કે કેરીથી મોંઘી ગોટલી વેચાઈ રહી છે..?? કોને ચિંતા છે સામાન્ય લોકોની..? ચુંટણી સમયે તો સામાન્ય આદમી રાજા અને ચુંટણીઓ પુરી થયા પછી..??

બાળકોને કે વાલીને કયાં ખબર છે કે કયા ફટાકડા ગ્રીન ને કયા રેડ ?

સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર જે નિયંત્રણો મૂક્યાં છે તે સાંભળીને હસવું આવે છે. સુપ્રીમના ચુકાદા પ્રમાણે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ના મૂકી શકાય પણ લોકોએ ગ્રીન ફટાકડા જ ફોડવા પડશે. ગ્રીન એટલે જેનાથી પ્રદૂષણ ઓછું ફેલાય તેવા ફટાકડા. દિવાળીના તહેવારો વખતે રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. બેસતા વરસ ને ક્રિસ્ટમસ સેલિબ્રેશન વખતે રાત્રે પોણા બારથી સાડા બાર લગી ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટે ક્યા ફટાકડા ફોડી શકાશે તેની પણ ચોખવટ કરી છે. આ આદેશ પ્રમાણે લોકો લૂમ નહીં ફોડી શકે કેમ કે તેનાથી વધારે પ્રદૂષણ ફેલાય છે. ફટાકડાની કંપનીઓ ઓછું પ્રદૂષણ ફેલાય તેવી લૂમ બનાવે તો તે ફોડવા સામે સુપ્રીમને જરાય વાંધો નથી. સુપ્રીમ કોર્ટે એવું પણ સૂચન કર્યું છે કે, સરકારે કોમ્યુનિટી ક્રેકર બર્સ્ટિંગને પ્રોત્સાહન આપવું જોઈએ. મતલબ કે લોકો વ્યક્તિગત રીતે નહીં પણ ભેગાં મફ્રીને ફટાકડા ફોડે તેને પ્રોત્સાહન મળવું જોઈએ. સુપ્રીમે એક બીજો આદેશ એ પણ આપ્યો છે કે, ઓનલાઈન ફટાકડાનું વેચાણ બંધ કરવું પડશે ને ફ્લિપકાર્ટ કે એમેઝોન જેવી વેબસાઈટ્‌સ ફાટકડા વેચતી હશે તો તેમની સામે સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ થશે. સુપ્રીમ કોર્ટે ગ્રીન ફટાકડા જ ફોડવા એવું પણ ફરમાન કર્યું છે. હવે લોકોને કઈ રીતે ખબર પડે કે ક્યા ફટાકડા ગ્રીન છે ને ક્યા ફટાકડા રેડ છે ? એ બધું નક્કી કરવાનું કામ સરકારનું છે ને વાસ્તવમાં તેના માટેના નિયમો અમલમાં છે જ. એ નિયમો પ્રમાણે ફટાકડા ના બનતા હોય તો એ લોકોની સમસ્યા થોડી કહેવાય ? તેની કિંમત લોકોએ ચૂકવવાની ? આવાં તો બીજાં સત્તર લફરાં છે ને તેનું શું કરવું તેની ખબર જ નથી પડતી. આપણે ત્યાં ફટાકડા લોકો માટે ખુશી વ્યક્ત કરવાનું, ઉજવણી કરવાનું માધ્યમ છે ને આ નિયંત્રણો એ ખુશી છિનવી લેનારાં છે. લોકો ચાર દિવસ મજા કરે તેના પર પણ પાબંદીઓ મૂકી દેવાય એ કેવું ? બીજું એ કે ફટાકટા મોટો ઉદ્યોગ પણ છે ને તેના કારણે દેશમાં લાખો લોકોને રોજગારી મફ્રે છે. ફટાકડા પર નિયંત્રણો ઠોકો તેમાં તેમના પર પણ અસર પડવાની જ. સરકાર પાસે તો લોકોને રોજગારી આપવા શું કરવું તેની ગતાગમ નથી જ. તેમાં વળી આવા ડબકા આવે એટલે લોકો બે પૈસા રફ્રી ખાય છે એ પણ છિનવાઈ જાય.

Previous articleસિંચાઇ કાંડમાં ધારાસભ્ય સાબરિયાની ધરપકડ
Next articleઅમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકાને અછતગ્રસ્ત શા માટે જાહેર ન કરાયા