પાટનગરને ગંદકી મુક્ત રાખવા માટે આખરે અન્ડર ગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ અમલમાં મુકવાની દિશામાં મહાપાલિકા આગળ વધી છે. તેમાં નગરમાં ૧૦ સ્થળો પર ૩ ટન કચરો સમાવે તેવી મોટી બિન અને ૮૦ સ્થળોએ ૧ ટન કચરાની સંગ્રહ ક્ષમતાની બિન મુકાશે. આ તમામ ૯૦ બિન ભૂગર્ભમાં મતલબ કે જમીનની અંદર સ્માર્ટ બિન બેસાડાશે.
પરિણામે બહારથી કોઇ સ્થળે કચરા પેટી પડેલી દેખાશે જ નહીં, આ સ્થિતિ આવતા આગામી દિવાળી આવી જશે. મહાપાલિકાએ આ ખર્ચાળ યોજનાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવી છે અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. રૂપિયા ૧૮ કરોડનો ખર્ચ અન્ડર ગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ માટે અંદાજાયો છે. સ્માર્ટ બિનના કારણે ગાય, વાંદરા સહિત રખડતા પશુ દ્વારા કચરા પેટીમાંથી ગંદકી બહાર ફેંકવાના અને કચરા પેટીઓ તોડી નાખવાના પ્રશ્નનો હલ આવી જશે.
મ્યુનિસિપલ કમિશનર એસ એલ અમરાણીએ જણાવ્યું કે જમીનની અંદર ખાડો કરીને તેમાં સિમેન્ટ વર્ક કર્યા પછી ૩ ટન કે ૧ ટનની ક્ષમતાની કચરા પેટી તેની અંદર ઉતારી દેવાશે. જે ભરાઇ જવાની સાથે લીફિં્ટગ ટ્રક દ્વારા તેને ઉઠાવીને ખાલી કરી મળેલા કચરાને ડમ્પિંગ સાઇટ પર પહોંચાડીને ઠલવી દેવાશે.
હાલમાં મહાપાલિકા વિસ્તારમાં દરરોજ ૬૫ ટન જેટલો કચરો પેદા થાય છે. તેમાં દરેક ઘરેથી ઉઠાવાતા રોજીંદા કચરા અને જાહેરમાં ફેલાતા કચરાનો સમાવેશ થાય છે.આમ આગામી વર્ષથી પાટનગરમાં કચરા અંગે ખાસ આયોજન કરાયુ છે.
જમીનની અંદર મુકાનનારા દરેક બિનમાં સ્માર્ટ ચીપ હશે. જેનાથી નિયત લેવલ સુધી બિન ભરાવા સાથે કંટ્રોલરૂમને મેસેજ મળી જશે અને બિન ગંદકીથી છલકાવાની સ્થિતિ પહેલા ત્યાં લિફ્ટીંગ ટ્રક આવી પહોંચશે.
ગિફ્ટ સિટીમાં અલગ જ સિસ્ટમ બેસાડવાની છે. તેનો ટેસ્ટ કેસ સેક્ટર ૨૦માં નાના મોડેલ તરીકે કરવા નિર્ણય લેવાતા મનપાએ ૨૦ કરોડની જોગવાઇ કરી હતી. પરંતુ ૪ વર્ષે પણ આ યોજના અમલી બની ન હતી.
સુરતમાં અન્ડર ગ્રાઉન્ડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ અમલી બનાવી દેવાઈ છે અને ત્યાં સારા પરિણામો મળ્યાનું મહાપાલિકાના અધિકારીઓ જણાવી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં બીજા નંબરે ગાંધીનગરમાં તેનો પ્રયોગ કરાશેે
મહાપાલિકા માત્ર ક્યા ક્યા સ્થળે સ્માર્ટ બિન મુકવાના છે, તે નિયત કરશે. ત્યાર બાદ તમામ કામગીરી કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીએ કરવાની રહેશે તથા સિસ્ટમનું સંચાલન કરવાની સાથે ૫ વર્ષ નિભાવની જવાબદારી પણ તેની રહેશે.તેમ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે.