અઢી વર્ષ પૂર્વે પાલીતાણા તાલુકાના રંડોળા ગામે રહેતા બે શખ્સોએ એક સંપ કરી એક બીજાને મદદગારી કરી બે સગીર વયની સગી બહેનો ઉપર બળાત્કાર ગુજાર્યાની પાલીતાણા પોલીસ મથકમાં જે-તે સમયે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ અને ત્રીજા એડી. સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે બે પૈકીના એક આરોપી સામેનો ગુન્હો સાબીત માની પોકસોના ગુન્હા હેઠળ સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, આ કામના આરોપી મહેશ છગનભાઈ રંગપરા, ઉ.વ.ર૭ અને ભાવેશ લઘરાભાઈ પરમાર ઉ.વ.ર૧ રહે.બન્ને ગામ રંડોળા, તા.પાલીતાણાવાળાએ ગત તા.ર૦૧-૧-ર૦૧પના રોજથી પાલીતાણાના સગાપરા ગામે રહેતા ભોગ બનનાર તથા સગીર વયની ભોગ બનનાર બન્ને બહેનોને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીના ઘરે, મહેશે તેણીની ઈચ્છા વિરૂધ્ધ તેની પર બળાત્કાર કરી બે માસનો ગર્ભ રાખી દઈ તેમજ આરોપી ભાવેશે સગીર વયની ભોગ બનનાર ઉપર બળાત્કાર કરવામાં આરોપી મહેશે મદદગારી કરી બીજી સગીરા ઉપર આરોપી ભાવેશે જાતીય હુમલો કરી બળાત્કાર કરી તેમજ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી ઉક્ત બન્ને આરોપીઓએ એકબીજાને ગુન્હામાં મદદગારી કરેલ. આ બનાવ અંગે જે-તે સમયે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૭૬, પ૦૬ (ર), ૧૧૪ તથા પોકસો એક્ટ-ર૦૧રની કલમ ૪/૧૭ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે.જજ અને ત્રીજા એડી. સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો, મૌખિક પુરાવા-૧પ, લેખીત પુરાવા-પ૧ વગેરે ધ્યાને લઈ આરોપી નં.ર ભાવેશ લઘરા પરમારને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સયુઅલ ઓફેન્સીસ એકટ-ર૦૧ર (પોકસો)ની કલમ-૪ મુજબના ગુન્હા સબબ આરોપીને તકસીરવાન ઠરાવી સાત વર્ષની કેદની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા અને દંડની રકમ વસુલ આવે તેમાંથી રૂા.પ,૦૦૦ વળતર પેટે ભોગ બનનારને ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.