ભારતની સંયુક્ત કુટુંબની પરંપરાને જો આપણે ભૂલીશું તો ખરી માનવતાને પણ પામી શકીશું નહીં

1419

નદીના કિનારે શોભતું સોનાવટી નામનું ગામ આવેલું હતું. ગામમાં આજે ગીતાબેન ઘરના વરંડામાં ઘેઘૂર લીંમડા નીચે બેઠાં બેઠાં ભરતકામ કરી રહ્યાં હતા. તેની આસપાસ લગભગ પાંચેક વર્ષનો એક બાળક જુદી-જુદી ઘરની નકામી ચીજવસ્તુઓ ભેગી કરી રમી રહ્યો છે. આજથી સાતેક વર્ષ પહેલા આ ઘરમાં ગીતાબેન પરણીને આવ્યાં હતાં. મોહનભાઈ સાથેનો તેમનો સંસાર સૌ કોઈની નજરે ઈર્ષાપાત્ર બને એ રીતે ચાલતો હતો. જો કે મોહનભાઈનું આ બીજું લગ્ન હતું, તેમ છતાં પતિ-પત્ની વચ્ચે પ્રેમની ગાંઠ એવી તો બંધાઈ ગઈ હતી કે એકબીજા વિના તેઓ એક મિનિટ પણ રહી શકતાં નહીં. લગ્નના લગભગ ચોથા વર્ષે જાણે આ દંપતી પર ઈશ્વર રૂઠ્યો હોય તેમ કાળ બની આવી પરિવારને વેરવિખેર કરી નાખે છે. ગંભીર માર્ગ અકસ્માતમાં મોહનભાઈનું દુઃખદ અવસાન થાય છે. હવે ગીતાબેનના કપરા દિવસો શરૂ થાય છે. વળી અગાઉની મોહનભાઈની પત્નીનો એક દીકરો પણ હતો, જેની સંભાળ પણ ગીતાબેને રાખવાની હતી. તેથી ગીતાબેન ભરત કામ કરીને થોડુંઘણું આર્થિક ઉપાર્જન કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. મોહનભાઈની અગાઉની પત્નીનો પુત્ર ૨૧ વટાવી ચૂક્યો હતો. તેના લગ્ન કરવાની ચિંતા ગીતાબેનને દિવસે દિવસે કોરી ખાવા લાગી હતી. આજે તે દીકરાને જોવા મહેમાન આવવાના હતા. ગીતાબેન છોકરાને ઠેકાણે પાડી નિરાતનો શ્વાસ લેવાં માંગતાં હતાં. મોહનભાઈના અંગત મિત્ર રસિકભાઈ લગભગ પાંચ-સાત નવા વસ્ત્રમાં શોભતા માણસો સાથે પ્રવેશ પામતા બૂમ પાડી ઊઠે છેઃ ‘ગીતાભાભી, સંજય ઘરમાં છે કે? ભાભી સંજયને બોલાવો. મહેમાન આવી ગયા છે. ગીતાબેન સ્મિત વેરતા બધાને આવકાર આપે છે. એટલામાં પાંચેક વર્ષનો બાળક દોડતો આવે છે અને બોલી ઊઠે છેઃ ‘સંજયભાઈ મારી માટે ઘણીબધી ચોકલેટો લઈને આ આવી ગયા.’ કોલાહલ વધી જાય છે. મીઠો સંવાદ જામે છે. એક બીજાનો પરિચય થતાં રસિકભાઈ મોકો જોઈને કામની વાત આગળ ચલાવવા પોતાની વાત મૂકે છેઃ ‘આ સંજય. તેણે હમણાં જ સ્નાતક પૂરું કર્યું. અનુસ્નાતકનો અભ્યાસ ચાલે છે. પિતાનો ધીકતો ધંધો પણ સંભાળે છે. ઘરમાં માત્ર ત્રણ જણાંનો પરિવાર છે. આટલો મોટો વરંડો, માલઢોર, ઘરેણાં અને બીજું ઘણું બધું મોટી મિલકતનો આસામી છે અને ગીતાભાભીનો સ્વભાવ માયાળુ હોવાને કારણે દીકરી સ્વર્ગનું સુખ ભોગવશે.’ આખરે બધું પાકું થઈ જાય છે. ગીતાબેન માટે આજે જાણે સોનાનો સૂર્ય ઉગ્યો હતો. ઘડિયા લગ્ન લેવાય છે. ગીતાબેનના ઘરમાં લક્ષ્મી વહુ બનીને આવે છે. ગીતાબેન લક્ષ્મીને બોલાવી પોતાની પાસે બેસાડી તેના માથા ઉપર હાથ મૂકી કહે છેઃ ‘બેટા, આ સામે રમી રહ્યો છે તે છોકરો તારો દિયર નહીં પણ તારો દીકરો છે તેમ સમજજે. તારે તેની સંભાળ લેવાની છે, મોટો પણ કરવાનો છે. તેને ધંધે પણ લગાડવાનો છે અને તેના લગ્ન પણ તારે જ કરાવી આપવાના છે. તારા બાપુજીના મૃત્યુ પછી મારી તબિયત સારી રહેતી નથી. બ્લડ પ્રેશર રોજ વધતું જાય છે. હૃદય પણ સાવ નબળું પડી ગયું છે. ગયા વર્ષે અમદાવાદ બાયપાસ સર્જરી કરાવી હતી. એટલે જ મને સંજયના લગ્નની ઉતાવળ હતી. તું અને મારો દીકરો કાયમ સુખી રહો એવો મારો આશીર્વાદ છે. સમય વહેવા લાગે છે. જોતજોતામાં ત્રણેક વર્ષ પૂરા થઈ જાય છે. લક્ષ્મીને પણ સારા દિવસો વીતવા લાગે છે. ગીતાબેન માટે આ આનંદની ઘડી તો હતી જ પણ ગીતાબેન માટે ચિંતાની વાત તો એ હતી કે હવે ગીતાબેન અનેક શારીરિક સમસ્યાઓમાં સપડાઇ ગયાં હતાં. છાતીમાં રોજ દુઃખાવો અને મુંજારો લાગતો. હવે ગીતાબેન માટે તેની સારવાર કરાવવી આર્થિક રીતે પરવડે તેમ નહોતું. તેથી અમદાવાદના ડૉક્ટરે જે દવાઓ લખી આપી હતી તે દવાઓ જરૂર પડે તેમ મેડિકલમાંથી મંગાવી તેવો દિવસો પસાર કરી રહ્યાં હતા. એક દિવસ એકાએક ગીતાબેનને હૃદયનો તીવ્ર હુમલો આવે છે. ગીતાબેન લક્ષ્મી સામે જોઈને આંખના ઇશારા વડે લક્ષ્મી પાસેથી અગાઉ માંગેલ વચનની યાદ આપી, કાયમના માટે આંખ બંધ કરી દે છે. લક્ષ્મી ગીતાબેનની અચાનક વિદાયથી બેબાકળી બની જાય છે. ગીતાબેનની અંતિમ વિધિ વિશાળ ગામલોકોની હાજરીમાં લક્ષ્મી અને તેનો દીકરો સંજય પૂરી કરાવે છે. દરમિયાન લક્ષ્મી પોતે પુત્રને જન્મ આપે છે. હવે લક્ષ્મી પોતાના બાળકનાં ઉછેરમાં લાગી જાય છે. દિવસ પછી દિવસ વીતવા લાગે છે. લક્ષ્મીનો પુત્ર પણ ભણીગણી હોશિયાર બની કામે લાગી જાય છે. ગીતાબેને લક્ષ્મી પાસેથી જે વચન માંગ્યું હતું તે, લક્ષ્મીનો દિયર લગભગ ૨૫ વર્ષનો થયો હતો. તેથી તેને પરણાવવાની જવાબદારી લક્ષ્મીએ અદા કરવાનો સમય પાકી ગયો હતો. લક્ષ્મી સગાં-સંબંધીઓને ગુણવાન દીકરી બતાવવા કહેતી રહે છે. પરંતુ યોગ્ય કન્યા મળતી નથી. બીજી તરફ લક્ષ્મીનો પુત્ર જે કૉલેજમાં અભ્યાસ કરતો હતો. તે જ કૉલેજની છોકરી સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો કોલ અગાઉથી આપીને ઘરે આવી લક્ષ્મીને કહે છેઃ ‘તમારે મારા માટે દીકરી જોવા રણજીતપુર ગામ જવાનું છે. તેના મા બાપને મળી નક્કી કરવાનું બાકી છે. યુવતીએ મને સંમતિ આપી છે.’ સાંભળતાં જ લક્ષ્મી બોલી ઊઠે છેઃ ‘હજુ તારા માટે હું કન્યા જોવા જઈ શકીશ નહીં. મારા પર એક બહુ મોટી જવાબદારી છે. જ્યાં સુધી અંકલ માટે કોઈ છોકરી નહીં મળે ત્યાં સુધી તારા લગ્ન વિશે વિચાર પણ કરી શકાય નહીં. ગીતાબેનને આપેલો કોલ જાણે લક્ષ્મી મનોમન યાદ કરતાં કરતાં બોલી રહી હતી, કારણ કે ગીતાબેનની પીડાં અને વેદના ખુદ લક્ષ્મીએ તે સમયે અનુભવી હતી. કોઈપણની પીડા કે વેદના જ્યારે પોતીકી બની જાય છે ત્યારે જ ખરી સંવેદના જાગે છે અને જાગેલી સંવેદના કદી વ્યક્તિને પોતાનાં મક્કમ ઇરાદાથી ચલિત થવા દેતી નથી. એટલે જ કહેવું જોઈએ કે : ‘સશક્ત સમાજના નિર્માણ માટે સાચી સંવેદનાની જરૂર છે.’ આજે દિવસે દિવસે સંયુક્ત કુટુંબો તૂટી રહ્યાં છે. આપણી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા લગભગ ભાંગીને ભૂકો થઇ ગઇ છે. પતિ-પત્ની સિવાય ઘરમાં, પરિવારમાં અન્ય કોઈ સભ્ય માટે લગભગ હવે જગ્યા બચી નથી, ત્યારે સુશીલ સમાજે આ દિશામાં વિચારણા કરવાનો સમય પાકી ગયો છે. ભારતની સંયુક્ત કુટુંબની પરંપરાને જો આપણે ભૂલીશું તો ખરી માનવતાને પણ પામી શકીશું નહીં. આપણે જોયું કે -ગીતાબેને અગાઉની પત્નીના પુત્રને થાળે પાડવા કેટલી નૈતિકતાપૂર્વક કાર્ય કર્યું! અને એ જ પગલે ચાલવા નવવધૂને પણ ઉપદેશ આપ્યો અને નવવધૂ લક્ષ્મીએ તે પુરવાર પણ કર્યો. આ જ છે ખરી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. આ વ્યવસ્થાને સેતુરૂપ જોડે છે ખરી સંવેદના. જ્યારે અન્યનું દુઃખ વ્યક્તિ પોતે અનુભવે અને પોતાનું દુઃખ બાજુ પર રાખી પરિવારના સભ્યની ચિંતા કરે ત્યારે જ ખરી માનવતાની મહેક મહેકે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબિહારના નેતા મોહમ્મદ શહાબુદ્દીનની આજીવન સજા સુપ્રિમએ યથાવત રાખી