સુપ્રીમ કોર્ટે બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસની તપાસ પર સવાલ ઉઠાવ્યાં છે. ઉચ્ચ અદાલતે મંગળવારે બિહાર પોલીસને ફટકાર લગાવી છે. બેંચે કહ્યું કે આ ઘટનાના ત્રણ મહિના પછી પણ મંજૂ વર્મા કેબિનેટ મંત્રી પદે કઈ રીતે યથાવત રહી? જે ઘણું જ શોકિંગ છે. શું આ મંજૂ વર્માનો પ્રભાવ છે કે પોલીસે તેની હજુ સુધી ધરપકડ કરી નથી? આગોતરા જામીન અરજી હોવા છતાં પણ પૂર્વ મંત્રીની હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ? આ સમગ્ર મામલો શંકાસ્પદ છે. હદ થઈ ગઈ છે. કોઈને પણ કાયદાની ચિંતા નથી.
આ મામલો મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં યુવતીઓ સાથે દુષ્કર્મનો છે. ટાટા ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની બિહારના સમાજ કલ્યાણ વિભાગને મોકલવામાં આવેલા એક ઓડિટ રિપોર્ટમાં શેલ્ટર હોમમાં યુવતીઓ સાથે દુષ્કર્મ થયું હોવાના ખુલાસા થયા હતા. આ શેલ્ટર હોમ વૃજેશ ઠાકુર ચલાવતો હતો, જે પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માનો મિત્ર છે. સુપ્રીમ કોર્ટ વૃજેશને બિહાર જેલથી પંજાબની પટિયાલા જેલમાં ટ્રાંસફર કરવાનો આદેશ આપ્યો છે.
આ મામલાના ખુલાસા બાદ મંજૂ વર્માએ બિહારની કેબિનેટથી રાજીનામું આપ્યું હતું. મંજૂ વર્માના પતિના ઘરે દરોડા દરમિયાન હથિયાર મળ્યાં હતા. આ મામલે મંજૂ વર્માની ધરપકડ ન થતાં સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ મદન લોકુરે, જસ્ટિસ એસએ નઝીર અને જસ્ટિસ દીપક ગુપ્તાને બેંચને એક વકીલે જણાવ્યું કે શેલ્ટર હોમમાં યુવતીઓને ઈંજેક્શનની મદદથી ડ્રગ્સ અપાતું હતું કે જેથી તેની સાથે દુષ્કર્મ કરી શકાય. આ અંગે બેંચે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જસ્ટિસ લોકુરે કહ્યું- અંતે આ બધું શું થઈ રહ્યું છે?