ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ મતદારોને મળી પ્રચાર કાર્યનો આરંભ કરાયો હતો. અભિયાનનાં અંતિમ દિવસ રવિવારે અમદાવાદ પૂર્વ લોક સભાનાં સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ દહેગામ વિસ્તારમાં આવતાં ન હોવાથી ચૂંટણી ટાણે જ આવતાં પ્રજાના રોષનો ભોગ ન બનવુ પડે તે માટે તાલુકાના અગ્રણીઓએ કડાદરા, ઘમીજ જેવા ભાજપના બહુમતી સમર્થન ગામોની જ મુલાકાત કરાવી હતી. જયાં ત્રણેક કલાક ડોર ટુ ડોર જઇ પરત રવાના થયા હતા.અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં દહેગામ વિધાનસભા નો સમાવેશ થાય છે.
આ બેઠક પર હરિન પાઠક ચૂંટાઇ આવતાં હતા અને તેમની લોકપ્રિયતા પણ હતી, હજી પણ અંકબંધ છે. તેમને લોકસભામાં ટિકીટ ન આપી કલાકાર પરેશ રાવલને ટિકીટ અપાઇ હતી. તે સમયે દહેગામ શહેર અને તાલુકા ભાજપના કાર્યકરોએ વિરોધ પણ કર્યો હતો. છતાં ધાર્યુ ઘણીનું થાય તેમ સમજી પરેશ રાવલને સ્વીકાર્યા હતા અને તેઓ ચૂંટણી જીત્યા પણ હતા.
સાંસદ પરેશ રાવલ ભરે ફિલ્મોમાં હસાવતા હોય પરંતુ રીયલ લાઇફમા઼ તેમનો સ્વભાવ ખૂબ જ આકળો છે, જેનો અનેક લોકોને અનુભવ થયો છે. તેવા સમયમાં વિધાનસભાની ચૂંટણી ટાણે પરેશ રાવલને ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન અંતર્ગત તાલુકામાં આવવાનું હોવાથી તેમનો વિરોધ ન થાય અને કોઇ તેમને ચૂંટણી ટાણે જ મતદારો કેમ યાદ આવ્યા ? તેવા પ્રશ્નો ન કરે તે માટે તાલુકાના અગ્રણીઓ પણ પરેશ રાવલના પ્રચાર કાર્યમાં આવવાથી લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે ચિંતિત હતા.
અગ્રણીઓએ તાલુકામાં ભાજપ સમર્થિત બહુમતીવાળા ગણાતાં કડાદરા ગામ અને ઘમીજ ગામે પ્રચાર અર્થે લઇ ગયા હતા. રસ્તામાં કરોલી ગામ ખાતે ભાજપના આગેવાનોએ સન્માન કરી આગળ રવાના કર્યા હતા. ફિલ્મ કલાકાર અને સાંસદ પરેશ રાવલ સાડા દસ વાગ્યે કડાદરા આવી પ્રચાર કાર્ય કરી ઘમીજ ગામે જઇ એક વાગ્યે રવાના પણ થયા હતા. પરેશ રાવલ રવાના થતાં ભાજપના હોદ્દેદારોએ રાહતનો દમ લીધો હતો. જોકે પરેશ રાવલે દહેગામ વિસ્તારમાં પ્રચાર અર્થે આવવાનું શક્તિ કેન્દ્રની મિટીંગના બહાને ટાળ્યુ હતુ.