આઈસીસીની આચારસંહિતાના ભંગ કરવા બદલ ખલીલ અહમદ દોષી જાહેર

1065

મુંબઈના બ્રેબૉન સ્ટેડિયમમાં સોમવારે રમાયેલા મુકાબલામાં શાનદાર બોલિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝની કમર તોડી નાંખનારા ભારતના નવોદિત ફાસ્ટ બોલર ખલીલ અહમદને મેદાન પર વધારે પડતો જોશ દેખાડવો ભારે પડ્યો છે. આઈસીસીની આચારસંહિતામાં તે દોષી જણાયો છે.

ખલીલ પર બ્રેબોન સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન માર્લોન સેમ્યુઅલ્સ સાથે દુર્વ્યવાહર બદલ આઇસીસીએ ચેતવણી અને એક ડીમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો છે. સેમ્યુઅલ્સને આઉટ કર્યા બાદ ખલીલને અપશબ્દો કહેતો સાંભળવામાં આવ્યો હતો. તે ઊંચા અવાજમાં કઈંક બોલતો પણ જોવાયો હતો.

આઈસીસીએ મંગળવારે કહ્યું કે, ખલીલને આઈસીસીની આચારસંહિતાના લેવલ-૧ના ઉલ્લંઘન બદલ દોષી જણાયો છે. તેણે આચારસંહિતનાની કલમ ૨-૫ (એક આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન હરિફ ખેલાડી સાથે દુર્વ્યવહાર કરવો કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો)નું ઉલ્લંઘન કર્યું છે.

ખલીલે ઉલ્લંઘનનો સ્વીકાર કરીને મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા લગાવવામાં આવેલા દંડનો સ્વીકાર કરી લીધો છે. ખલીલે પાંચ ઓવરમાં ૧૩ રન આપીને સેમ્યુઅલ્સ, હેટમાયર અને પોવેલની વિકેટ ઝડપી હતી. તેના આંતરરાષ્ટ્રીય કરિયરનો આ પાંચમો મુકાબલો હતો.

Previous articleલગ્નની તારીખ નક્કી થતા જ દીપિકા-રણવીર ઇન્સ્ટાગ્રામ પર નંબર વન બન્યા!
Next articleપાટણ-બનાસકાંઠામાં પરવાનગી વગર ધમધમતા બાયો ડિઝલ પંપો