ગાંધીનગર શહેરમાં સીસીટીવી કેમેરાથી ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા વાહનોનો નંબર લઇને ઇ-મેમો મોકલવા સીસ્ટમ દિવાળી બાદ તરત જ લાગુ પડવા જઇ રહી છે. ગાંધીનગરમાં દોઢેક વર્ષ ઇ-મેમો સીસ્ટમ ચાલુ રહ્યા બાદ ૬ માસ પહેલા મોકુફ કરી દેવાઇ હતી. ત્યારે દિવાળી બાદ ગાંધીનગરમાં ઇ-મેમોથી દંડ કરવાની કામગીરી ચાલુ થવા જઇ રહી છે. ઇ-મેમો સીસ્ટમ બંધ કર્યા બાદ વાહન ચાલકો બિન્દાસ બની ગયા હતા અને નંબર પ્લેટ સાથે કરવામાં આવતા છેડા બંધ થયા હતા. ત્યારે નવા વર્ષથી ટ્રાફિકનાં નિયમોને ઘોળીને પી જતા વાહન ચાલકો માટે નવી સમસ્યા અમલમાં આવી જશે.
રાજયનાં મહાનગરમાં ઇ-મેમો સીસ્ટમ શરૂ થયા બાદ વ્યાપક ફરીયાદો પણ ઉઠી હતી. સરકારે પણ ગંભીરતા દાખવીને ૬ માસ પુર્વે ઇ-મેમો સીસ્ટમને હાલ પુરતી બંધ કરવા નિર્ણય લેવામાં આવતા નાગરીકો બિન્દાસ બની ગયા હતા.
માર્ગ સુરક્ષાનાં નિયમોને પાળવામાં નાનપ અનુભવતા ગાંધીનગરાઓને ઉપરાછાપરી ઇ-મેમો મળતા હતા તે બંધ થતા રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ દિવાળી બાદ તરત જ ગાંધીનગરમાં ફરી આ સીસ્ટમ શરૂ થવાની છે. પોલીસ સુત્રોનાં જણાવ્યાનુસાર પહેલા કરતા પણ મજબુતી સાથે ઇ-મેમોનો અમલ કરવામાં આવશે.
પાસીંગ વાહનોને પણ મેમો મોકલાશે
અત્યાર સુધી કેટલીક મર્યાદાઓને લઇને માત્ર ગાંધીનગર પાસીંગનાં જ વાહનોને મેમો મોકલવામાં આવતો હતો. તેમા ઘણા લોકોને મોડો મળવાની પણ સમસ્યા હતા. પરંતુ દિવાળી બાદ માત્રે જીજે ૧૮ને જ નહી તમામ જિલ્લાનાં પાસીંગનાં વાહનોને તથા અન્ય રાજયનાં પાસીંગનાં વાહનોને પણ મેમો મોકલવામાં આવશે. મેમોનાં દંડથી બચવાનો એક જ ઉપાય છે’હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો, બ્લેક ફિલ્મ ન રાખો અને રોડ સેફ્ટીનાં નિયમોનું ગંભીરતાથી પાલન કરો’,પહેલા ઇ-મેમો મોકલાતા હતા તેમાંથી ઘણા મેમો એ લોકોને ત્યાં જતા હતા જેમણે પોતાનું આ વાહન વેચી દીધાને વર્ષો થઇ ગયા હોય અને આરટીઓ રેકર્ડ પર પણ માલીકી બદલાઇ ગઇ હોય. આ મુદ્દે પોલીસે આરટીઓ સાથે સંકલન કરીને ખામી સુધારી લીધી છે. જેથી જુના માલીકને મેમો મળશે નહી.
ગાંધીનગરમાં અત્યાર સુધી ગાંધીનગરનાં લોકોને ઇ-મેમો જતો હતો. કારણ કે અન્ય જિલ્લામાંથી દંડ ભરવા લોકો આવી ન શકે. પરંતુ હવે ઓનલાઇન પણ દંડ ભરી શકાશે. પોલીસ નજીકનાં દિવસોમાં જ તેની પ્રક્રીયા તથા બેન્ક એકાઉન્ટ નંબર જાહેર કરશે. જેના કારણે લોકોને સેકટર ૨૨ની ટ્રાફિક શાખાએ ધક્કો નહી ખાવો પડે. જો કે ઓફલાઇન રૂબરૂ દંડ સ્વીકારવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે. નેટબેન્કીંગથી પણ દંડ સ્વીકારાશે. આમ, દિવાળી બાદ હવે પાટનગરમાં ફરી ઇ-મેમો સિસ્ટમ શરૂ કરવામાં આવતા આગામી દિવસોમાં બહારના જિલ્લાના વાહન ચાલકો પણ દંડાશે તેવી હાલના તબક્કે ચર્ચા છે.