ગાંધીનગર જિલ્લામાં શાંતીપૂર્ણ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ગોઠવણ પ્રમાણે દરેક મતદાન મથક પર એક પુરુષ બાદ બે મહિલાને મતદાન કરવા જવા દેવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ એમ પણ જણાવ્યું કે, અસુરક્ષિત જણાયેલા કે, અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ નક્કી કરાયેલા વિસ્તારમાં રાજકીય પક્ષ અને ઉમેદવારો કોઇ પ્રકારે મતદારોને પ્રભાવિત ત કરે અને લાલચ ન આપે તે માટે વિશેષ વોચ રાખવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મતદાનના દિવસ તારીખ ૧૪મી ડિસેમ્બરે મતદાન મથકની ફરતે ૧૦૦ મીટર વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહીં. તેમજ રાજકીય પક્ષના કે, ઉમેદવારના પ્રતિક સાથે કોઇ ફરી શકશે નહીં. જે વિસ્તારના મતદાતા ન હોય અથવા ઉમેદવાર ન હોય તેવા વ્યક્તિને પણ અન્ય વિસ્તારમાં ચૂંટણીના કામથી જવા દેવામાં આવશે નહીં. જે તે વિસ્તારમાં તે વિસ્તાર બહારનાં મતદાર હોય તેવા વ્યક્તિ ઘુસી આવે નહીં તે માટે હોટલ, લોજ, વાડી વિગેરે વિસ્તારમાં તંત્ર દ્વારા સતત ચકાસણી કરવામાં આવશે. ભયમુક્ત વાતાવરણમાં મતદારો મતદાન કરી શકે તે માટે પોલીસના સતત પેટ્રોલિંગની સાથે તમામ મત કેન્દ્ર પર સુરક્ષા જવાનોને ગોઠવાશે અને મતદાન પ્રક્રિયાનું જ્યાં જરૂર જણાશે ત્યાં વિડીયો રેર્કોડિંગ કરી સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ ઓબ્ઝર્વર દ્વારા કરાશે.
મતદાનના દિવસે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વાયરલેસ સેટથી સજ્જ મોબાઇલ વાનમાં ક્વીક રિસ્પોન્સ ટીમને તૈયાર રાખવામાં આવશે. ક્યુ આર ટીના અધિકારી અને પોલીસ જવાનો કોલ મળવાની સાથે જ સ્થળ પર પહોંચશે. મતદાનના દિવસે કોઇ પ્રકારે ગેરરીતિ થતી જોવા મળે કે મતદાન કરવામાં સમસ્યા ઉભી થાય તો કોઇ પણ વ્યક્તિ જિલ્લા કક્ષાનાં ફરિયાદ નિવારણ કંટ્રોલ રૂમ પર તેના ફોન નંબર પર ફરિયાદ કરી શકશે. દરેક તાલુકા મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરી પર તેના માટે ફોન કરી શકાશે.