ગ્રીનસીટી દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે. હજુ ગયા વર્ષે જ એરપોર્ટ રોડ રૂવા ગામ પાસે નાખવામાં આવેલ પેન્ટાકોરમનું વૃક્ષ એકદમ મોટું થઈ પીળા ફુલોથી ખીલી ઉઠયું છે. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ સવારે વૃક્ષોને પાણી પાવા જાય છે. ત્યારે તેની નજર અચાનક આ વૃક્ષ પર પડી હતી. અને વૃક્ષોમાં ફેલો થઈને અચંબામાં પડી ગયા હતાં. વૃક્ષની બાજુમાં એક પાંચ વર્ષનો બળક ઉભો હતો. દેવેનભાઈએ બાળકને કહ્યું કે આ વૃક્ષ તો બહુ ઝડપથી મોટું થઈ ગયું ! ત્યારે બાળકે જણાવ્યું હતું કે એમ રોજ આ વૃક્ષને પાણી પાઈએ છીએ. પાંચ વર્ષના બાળક સાગરનો આ પ્રકૃતિ પ્રેમ જોઈ દેવેનભાઈ શેઠ ગદગદીત થઈ ગયા હતા અને બાળકને શાબાશી આપી હતી. દેવેનભાઈએ જણાવ્યું હતું કે ફકત પોતાના સ્વાર્થ માટે જ આખો દિવસ દોડાદોડી કરતી પ્રજા જો બાળકની પાસેથી પ્રેરણા લે તો થોડા જ સમયમાં ભાવનગર શહેર નંદનવન બની જાય! ગ્રીનસીટી દ્વારા વૃક્ષોને નિયમિત પાણી પીવામાં આવી રહ્યું છે. પરંતુ જો કોઈ પોતાના ઘર પાસે કે દુકાન પાસે નાખવામાં આવેલ વૃક્ષની કાળજી લઈ નિયમિત વૃક્ષને પાણી આપે તો વૃક્ષ એક જ વર્ષમાં મોટું થઈ શકે છે. કારણ કે ગ્રીનસીટી સંસ્થા દ્વારા મોટાભાગે પહેલેથી જ મોટી હાઈટના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવે છે.