છત્તીસગઢમાં આગામી મહિને યોજનાર વિધાનસભાની ચૂંટણી પહેલા નક્સલવાદીઓએ ફરી એકવાર ખૂની ખેલ ખેલીને મતદારોમાં દહેશત ફેલાવવાના પ્રયાસ કર્યા છે. રાજ્યના દાંતેવાડાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં એક પત્રકારનું મોત થયું છે. આ ઉપરાંત બે પોલીસ જવાનો પણ શહીદ થયા છે. થોડાક દિવસ પહેલા જ રાજ્યના બીજાપુરમાં પણ નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ચાર જવાન શહીદ થયા હતા. રાજ્યમાં વિધાનસભાની ૯૦ સીટો ઉપર બેતબક્કામાં મતદાન યોજાનાર છે. પ્રથમ તબક્કામાં ૧૮ સીટો ઉપર ૧૨મી નવેમ્બરના દિવસે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૭૮ સીટો ઉપર ૨૦મી નવેમ્બરના દિવસે મતદાન થશે. આ હુમલો દૂરદર્શનની ટીમ ઉપર કરવામાં આવ્યો હતો જેમાં દૂરદર્શનના કેમેરામેન શાહીનું મોત થયું હતું. ચૂંટણી કવરેજ માટે દુરદર્શનનીટીમ જઈ રહી હતી ત્યારે નક્સલવાદીઓએ છુપો હુમલો કર્યો હતો.
આ હુમલામાં બે પોલીસ કર્મીઓ પણ શહીદ થયા હતા. અન્ય બે પોલીસ કર્મીઓ ગંભીરરીતે ઘાયલ થયા હતા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરે દુરદર્શનના કેમેરામેનના મોત અંગે દુખ વ્યક્ત કર્યું છે.
સાથે સાથે સમગ્ર દેશ મૃતકના પરિવારની સાથે હોવાની વાત કરી હતી. તેમના પરિવારની કાળજી લેવાની પણ કરવામાં આવી હતી. બીજી બાજુ દાંતેવાડાના ડીઆઈજીએ કહ્યું છે કે, પેટ્રોલિંગ ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે પોલીસ જવાનોના મોત થયા છે. દૂરદર્શનના કેમેરામેનને ઇજા થયા બાદ તેનું પણ મોત થયું હતું. આ હુમલાને ચૂંટણી સમયમાં કરવામાં આવેલા મોટા હુમલા તરીકે જોવામાં આવે છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને સફળતા પૂર્વક પાર પાડવાની બાબત પડકારરુપ દેખાઈ રહી છે.