રાજયના સિંચાઈ વિભાગ દ્વારા તા.ર૭/૧૦/ર૦૧૮ થી ૩૧/૧૦/૧૮ સુધી પાંચ દિવસ માટે નર્મદાની મુખ્ય કેનાલ તેમજ પેટા કેનાલમાં પાણી છોડવાની સરકાર દ્વારા મસમોટી જાહેરાત કરવામાં આવી હતી. આ પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે પહેલા આવતી કાલે ૩૧ મી ઓકટોમ્બરની મધ્યરાત્રીથી પાણી પુરવઠો આપવાનું બંધ કરવાની જાહેરાતને પગલે અછતગ્રસ્ત બહુચરાજી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોસરકારની આ પોકળ જાહેરાત સામે લાલઘૂમ છે.
ચાણસ્મા તેમજ બહુચરાજી સહિતના તાલુકાઓમાં ચાલુ વર્ષે નહિવત વરસાદને કારણે સુકા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. આ વિસ્તારમાં પશુઓ માટે પાણી અને ઘાસચારો તેમજ રોજગારીની તકો ન મળવાને કારણે ચોમાસા પછી હવે પાણીના અભાવે રવિ પાક માટે ખતરો તોળાઈ રહ્યો છે.
સરકારે ચાણસ્મા તાલુકાને સંપૂર્ણ અસતગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ પાણી ઘાસચારો અને સિંચાઈની સુવિધા પુરી પાડવા જીલ્લાનુ તંત્ર ઉદાસીનતા સેવી રહ્યુ છે.
બીજી બાજુ નજીકના બહુચરાજી, હારીજ, સમી અને રાધનપુર સહીતના તાલુકામાં પણ સુકા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. પાતાળકુવાઓની સગવડ ન હોવાને કારણે નર્મદાનું પાણી એ એક માત્ર સિંચાઈનો આધારીત છે. લોકોની માંગણીને ધ્યાનમાં લઈ રાજય સરકારે તા.ર૭ થી ૩૧ મી ઓકટોમ્બર સુધી પાણી આપવાની જાહેરાત કરી છે.
પરંતુ હજુ સુધી પેટા કેનાલો મારફતે સિચાઈનુ પાણી ખેતરો સુધી પહોંચ્યુ નથી. પાણી મેળવવા આ પંથકનો ખેડૂત ખેતરમાં રાત દિવસના ઉજાગરા કરી રહ્યો છે. ત્યા હવે પાણી બંધ કરવાની જાહેરાતથી ખેડૂતોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે.
ખેડૂતોના વિરોધનો ભોગ ન બનવુ પડે તે માટે આ લોભામણી જાહેરાત કરી રાજય સરકારે ખેડુતો સાથ દગો કર્યો છે અને હવે શિયાળુ પાક માટે ૧પ મી નવેમ્બરે પાણી આપવાની જાહેરાત કરી છે. જેની સામે આ વિસ્તારના ખેડૂતો ઉગ્ર લડત આપવાના મુડમાં છે.