શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતો શખ્સ વિરૂધ્ધ પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ મથકના ઓઈલ ચોરીનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં ફરાર હોય જેને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબીની ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન, ભાવનગર, જુની વિઠ્ઠલવાડી, ભૈરવનાથ મંદિર પાસે આવતા પો.કો. કેવલભાઈ સાંગા અને ભયપાલસિંહ ચુડાસમાને બાતમી રાહે હકિકત મળેલ કે, પાટણ જિલ્લાના સિધ્ધપુર પો.સ્ટે.ના ઈપીકો કલમ ૩૭૯ તથા અન્ય કાયદાની કલમો હેઠળના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપી મુબારકભાઈ લતીફભાઈ સરવૈયા રહે.પ્લોટ નં.૧૪, જુની વિઠ્ઠલવાડી, ભાવનગરવાળા તેના ઘર સામે રોડ પર ઉભો છે. તે બાતમી આધારે જતા મુબારકભાઈ સરવૈયા ભાવનગરવાળા હાજર મળી આવેલ. તેઓને ઉપરોક્ત ગુન્હાના કામે પકડવાના બાકી હોય તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી ધોરણસરની અટકાયત કરવામાં આવેલ.
આ ઈસમની પુછપરછ કરતા પોતે અગાઉ સને-ર૦૧રમાં ખેડા જિલ્લામાં તથા સને-ર૦૧૪માં સુરેન્દ્રનગર તથા મહેસાણા જિલ્લામાં ઓઈલ ચોરીના ગુન્હામાં પકડાય ગયેલ હોવાનું જણાવેલ. એલસીબી પોલીસ ટીમે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને તેને પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરેલ છે.આ સમગ્ર કામગીરીમાં એલસીબીના પો.ઈન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઈન્સ. એન.જી. જાડેજા તથા એલસીબી સ્ટાફના પ્રદ્યુમનસિંહ ગોહિલ, ચંદ્રસિંહ વાળા, વિઠ્ઠલભાઈ બારૈયા, ભયપાલસિંહ ચુડાસમા, કેવલભાઈ સાંગા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.