શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં બપોરના સમયે પૈસાની લેતી-દેતી મામલે યુવાન પર બે શખ્સોએ તિક્ષણ હથિયારો વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચક્ચાર મચી જવા પામી હતી. બનાવ સ્થળે સીસીટીવી કેમેરા હોય સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના સાંઢીયાવાડ આરબવાડ વિસ્તારમાં રહેતા મહંમદહુસૈન સતારભાઈ મકાતી ઉ.વ.૧૮ને અકરમ નામના વ્યક્તિ સાથે પૈસાની લેતી-દેતી મામલે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાઈ ગયેલા અકરમ અને એક અજાણ્યા શખ્સે કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં મહંમદહુસૈન મકાતી પર છરી વડે હિચકારો હુમલો કરી ૮ થી ૧૦ ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને લોહીયાળ હાલતે સર ટી. હોસ્પિટલ ખસેડાયો છે. જ્યાં સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવસ્થળે સીસીટીવી કેમેરા હોય સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.