૩૬ રાફેલ વિમાનોની કિંમત અંગે સુપ્રીમે માંગેલી માહિતી

1228

સુપ્રીમ કોર્ટે મોદી સરકાર પાસેથી ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવી રહેલા રાફેલ વિમાનની કિંમતને લઇને જરૂરી માહિતી માંગી છે.

રાફેલ વિમાનની સોદાબાજીને લઇને રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે વિમાનની કિંમત સાથે સંબંધિત માહિતી માંગી છે. ૩૬ વિમાન સાથે સંબંધિત કિંમતોની માંગ કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં આને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ વધુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતુ ંકે, ૧૦ દિવસની અંદર એક સીલકવરમાં વિમાનની કિંમત અંગે સરકારને માહિતી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કહ્યું છે કે, તે રાફેલ સોદાબાજી સાથે સંબંધિત ટેકનિકલી માહિતી મેળવવા ઇચ્છુક નથી. કોર્ટે કહ્યું હતું કે, જો વિમાનની કિંમત ખાસ સૂચના મુજબ છે અને તેને કોઇની સાથે વહેંચી શકાય તેવી નથી તો આના માટે એફિડેવિટ દાખલ કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ ડિલને લઇને લેવામાં આવેલા નિર્ણયોની પ્રક્રિયાની માહિતી પબ્લિક ડોમેનમં લઇને આવે તે જરૂરી છે. સાથે સાથે સરકારને એવી રાહત પણ આપી છે કે, ગુપ્ત અને વ્યૂહાત્મક મહત્વની માહિતી આપવાની કોઇ જરૂર નથી. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની વધુ સુનાવણી હવે ૧૪મી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે.

સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ કેકે વેણુગોપાલને મૌખિકરીતે કહ્યું હતું કે, જો યુદ્ધ વિમાનોની કિંમત ગુપ્ત રાખવાની જોગવાઈ છે તો આને લઇને એફિડેવિટ દાખલ કરવામાં આવે તે જરૂરી છે. રાફેલ ડિલ સાથે જોડાયેલી ચાર અરજીઓ ઉપર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે આ મુજબની વાત કરી હતી. આમાથી એક અરજી એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા, અન્ય એક અરજી પૂર્વ મંત્રી અરુણ શૌરી દ્વારા દાખલ કરાઈ છે. આ ત્રણેય કોર્ટની મોનિટરિંગમાં સીબીઆઈ તપાસની માંગ પણ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસે કહ્યું હતુ ંકે, આના માટે રાહ જોવાની રહેશે. પહેલા સીબીઆઈને પોતાની સ્થિતિને સુધાર કરવાની જરૂર છે. એટર્ની જનરલે બેંચને કહ્યું હતું કે, રાફેલની કિંમત ખાસ સૂચના હેઠળ છે જેથી સંસદમાં પણ કિંમતોને રજૂ કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે, કોર્ટની સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો ઓફિસિયલ સિક્રેટ એક્ટ હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વ્યૂહાત્મક અને ગુપ્ત ગણાતા દસ્તાવેજોને વહેંચી શકાય નહીં. કેન્દ્ર પાસેથી ૧૦ દિવસની અંદર ભારતના ઓફસેટ સોદાના સંદર્ભમાં માહિતી સહિતની સૂચનાઓ આપવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કોઇપણ જનહિત અરજીમાં રાફેલની સોદાબાજીના સંદર્ભમાં ટેકનિકલ પાસાઓને પડકાર ફેંકવામાં આવ્યો નથી. રાફેલ ડિલને લઇને કોંગ્રેસ પાર્ટી તરફથી વારંવાર પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાફેલ ડિલના મામલે મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ મોદી સરકાર ઉપર કરી રહ્યા છે. ચોકીદાર ચોરી કરી ગયા હોવાનો આક્ષેપ રાહુલ કરી રહ્યા છે. વિમાનની કિંમતને લઇને રાહુલ ગાંધીએ સતત પ્રશ્ન ઉઠાવ્યા છે. બેગણી કિંમત ચુકવવામાં આવી હોવાનો આક્ષેપ સરકાર પર રાહુલ ગાંધીએ હાલમાં કર્યો છે.

Previous articleFTIIના ચેરમેન પદેથી અનુપમ ખેરનું રાજીનામુ
Next articleઉર્જિત પટેલે ૧૯મીએ એક મહત્વની બેઠક બોલાવી છે