કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રને સમર્પિત કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાના શિલ્પી એવા ૯૧ વર્ષના શિલ્પકાર રામ સુથાર અને તેમના પુત્ર અનિલભાઈ સુથારનુ સન્માન કર્યુ હતુ. આજના કાર્યક્રમ માટે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ૯૧ વર્ષના રામ સુથાર મૂળે મહારાષ્ટ્રના છે અને ૧૯૫૯થી દિલ્હીમાં સ્થાયી થયા છે.
તેમણે એક વાતચીતમાં કહ્યું હતુ કે જ્યારથી હું શિલ્પકલા શીખ્યો છું ત્યારથી મારી ઈચ્છા એક વિરાટ પ્રતિમા બનાવવાની હતી.૧૯૪૭માં હનુમાનજીની હૃદય ચીરીને ભગવાન રામને દર્શાવતી એક વિરાટ કાય મૂર્તિ બનાવવાનુ નક્કી થયુ હતુ.કોઈ કારણસર આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો.એ પછી સરદારની પ્રતિમા બનાવવાનો મોકો મળ્યો હતો.